પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
સોરઠી બહારવટીયા : ૩
 


“ડોસે તો ઘોડીએ બેસીને બંદૂક મારી. નક્કી નિશાન ખાલી ગયું હશે.” રામ બડબડ્યો.

ત્યાં તો શિકારી ઘોડીએથી ઉતર્યો. ઘેાડીને દોરી લીધી. થોડે છેટે ગયો. શિકાર પડેલો તે ઉપાડ્યો. પાવરામાં નાખ્યો. ઉપર થોડી આવળ કાપીને ભરાવી. ઘોડીને દોરી પાછો ચાલ્યો.

“હાં રામભાઈ ! રોકીએ આપાને. એની બંદૂક ને ભારો એક હથીઆર આંચકી લઈએ.” ગોલણ અધીરો થયો.

“ગોલણ, અથર્યો થા મા ! એમ એ આપો બે તસુની છરી યે નહિ છોડે. ને ઉલટો આપણા બે જણને રાત રાખી દેશે.”

“તો થોડી ગમ્મત કરી લઈએ.”

ગોલણ ને બીજો એક બીજો આદમી, બે જણ આગળ વધ્યા. આડા પડ્યા. શિકારીએ દીઠા. પૂછ્યું “કાં ભા, ક્યાં રો' છો ? આમ આડ વગડે કેમ ! મારગ ભૂલ્યા લાગો છો.” એમ કહી આંખો ઉપર નેજવું કરીને બુઢ્ઢો નિહાળવા લાગ્યો.

“ના આપા, મારગ નથી ભૂલ્યા. તમારી પાસે જ આવ્યા છીએ.”

“મારૂં શું કામ પડ્યું ભા: તમે કોણ છો ?”

“અમે છીએ બારવટીયા. આપા ઈ બંદુક મેલી દ્યો. અમારે જોઈએ છે.”

“મારી બંદૂક જેાઇએ છે ? તે તમે માનતા હશો કે બંદૂક ખાલી છે, કાં ?”

એમ કહી આપાએ ગજ કાઢી બંદૂકની નાળ્યમાં નાખ્યો. ગજનો જેટલો ભાગ ઉપર રહ્યો તેનું તસુથી માપ બતાવી આપો બોલ્યો “જુઓ, આટલો દારૂ ધરબેલ છે, માટે જરાક છેટા રેજો. નહિ તો આ કાકી નહિ થાય.”

એટલામાં રામવાળો આવી પહોંચ્યો. વચ્ચે પડી ગોલણને અળગો કર્યો, પછી આપા તરફ ફર્યો: “ આપા રામ રામ ! એાળખાણ પડે છે ?”