પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
સોરઠી બહારવટીયા : ૩
 
૧૩

ખીજડીઆ ગામ પર પડ્યા. મોટામાં મોટા વ્યાજખાઉ વાણીઆ વેપારીના ઘર પર ગયા. પ્રથમ તો કહ્યું કે “લાવો શેઠ તમારા તમામ ચોપડા. એટલે ગરીબોની પીડા તો ટળે !” ચોપડાઓનો ઢગલો કરીને આગ લગાડી. પછી ઘરની અંદર પટારો તોડવા લાગ્યા. ઝાઝી વાર થઈ. તેથી રામવાળાએ બહાર ઉભાં ઉભાં ત્રાડ નાખી કે “એલા શું કરો છો ? આટલી બધી વાર ?”

“પટારો તૂટતો નથી.” અંદરથી જવાબ મળ્યો.

“બચારો પટારો તૂટતો નથી ?” એમ બોલીને રામ અંદર ગયો. “ખસી જાવ !” કહીને એણે જોરથી પોતાના પગની પાટુ મારી. પટારો તૂટી ગયો. પણ મારવા જતાં પોતાના પગની લાંકમાં પટારાની એક ચૂક બેસી ગઇ. રામને તો એનું ભાન નહોતું. એણે તો ઉલટું પોતાના કઠણ બની ગએલ જોડા વાણીઆની એક તેલભરી કોઠીમાં બોળીને પહેર્યા. ચૂક વાગેલી તે લાંકમાં તેલ ભરાણું. એ નાનકડી ચૂકે રામનું મોત આલેખ્યું. પણ કંઈ જ ઓસાણ વગર રામ ચોરે આવ્યો. બે જ ગાઉ ઉપર બગસરા ગામમાં એજન્સીનું પચાસ હથીઆરબંધ માણસોનું થાણું છે. બીજા દરબારી તાલુકા છે. છતાં કશી બ્હીક વગર ટોળી દાયરો કરીને બેઠી. આખા ગામમાં કહેવરાવ્યું કે “સહુ ભાઈયું કસુંબો લેવા આવો. રામભાઈ તરફનો કસુંબો છે.”

બીજું તો કોઈ નહિ, પણ એક વૃદ્ધ કાઠીઆણી આવ્યાં. આવીને આઇએ રામનાં મીઠડાં લીધાં. કહ્યું કે “ધન્ય છે બાપ ! કાઠીની સવાઈ કરી. કાળાવાળાને ઉજાળ્યો.”

ત્યાંથી ટોળી ગુજરીઆ ગામે કાળુ ખુમાણને આશરે ગઈ. ત્યાં રામનો પગ વકરી ચુક્યો હતો. તાવ ચડવા લાગ્યો હતો. ચલાય તેવું રહ્યું નહિ. છુપાઈને રામ ત્યાં રહ્યો. થોડી મુદ્દત થઈ ત્યાં બહારવટીયા ખરચીખૂટ થઈ ગયા. દસ જણના પેટના ખાડા પૂરવા