પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
સોરઠી બહારવટીયા : ૩
 


“રામભાઈ !” એ દરબારે હિમ્મત કરી કહ્યું: “તું સુખેથી આંહી રહે, હું તને મલકછતરાયો સમશાને લઈ જઈશ.”

“ના ના દરબાર ! મારે ખાતર તમારો ગરાસ જાય.”

ડાહ્યો બહારવટીયો ન માન્યો એટલે રાતે એને રામેસર લઈ ગયા. ત્યાંથી એને ગાડામાં નાખી રાતોરાત ગિરનારના બોરીઆ ગાળા નામના ભયંકર સ્થળ ઉપર મુકી આવ્યા. બોરીઆ ગાળાના એક ભોંયરામાં બે ભેરૂ રામની સારવાર કરી રહ્યા છે : એક નાગવાળો ને બીજો મેરૂ રબારી. બાકીના તમામ ચાલ્યા ગયા છે.

૧૪

ભોંયરાનું પોલાણ ધીરે અવાજે ગાજતું હતું. પત્થરો જાણે કે એ ખાનગી વાત સાંભળીને કોઈને કહી દેતા હતા. નાગ અને રામની વચ્ચે કાળી વાત ચાલતી હતી :

“રામભાઈ ! મારી નાખીએ.”

“કોને ?”

“મેરૂને.”

“કાં?"

“જાત્યનો ભરૂ છે. ક્યાંક ખૂટશે. આપણને કમોતે મરાવશે.”

“ના, ના, ના, ભાઈ નાગ !” પગની કાળી વેદનાના લવકારા ખમતો રામ આ અધર્મની વાત ન ખમી શક્યો: “મેરૂ તો મારા પ્રાણ સમો. મેરૂ વિના મને અપંગને કોણ સાચવે ? મેરૂ બચારો મારો સાંઢીઓ બની, મને એક નેખમેથી બીજે નેખમે ઉપાડે છે, દિ ને રાત દોડાદોડી કરે છે. અરરર ! નાગ ! મેરૂ જેવા અમુલખ સાથીની હત્યા?” નાગની સામે રામ દયામણી આંખે તાકી રહ્યો.