પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળેા
૧૫૧
 


“હત્યા !” પત્થરે પત્થરે ઝીલાતો એ બોલ બહાર ગયો. લપાઈને બહાર ઉભેલા એક આદમીને કાને પડ્યો. એ આદમી હતો મેરૂ પોતે. મેરૂને શરીરે થરેરાટી ચાલી ગઈ. સ્વેદ વળી ગયાં. આંખો ફાટી ગઈ. ભોંયરા પાસે ક્યાંઈક પોતાનો પડછાયો પડી જાશે તો પણ નાગ હત્યા કરશે, એમ સમજી મેરૂ સરી ગયો. વાતને પી ગયો.

બીજા દિવસની તડકી ચડી. મેરૂએ વાત ઉચ્ચારી “નાગભાઈ ! હવે આંહી માલધારીઓનો અવરજવર વધતો જાય છે. આપણે નેખમ બદલીએ. ભેળા આવો તો ક્યાંઈક ગોતી આવીએ.”

બેય જણા ચાલ્યા. નવી જગ્યા ગોતીને પાછા વળ્યા. માહ મહિને બપોર તપ્યા. એક નેરાને કાંઠે બેય જણા બેઠા. વિસામો લેવા સુતા. બેયનાં નાખોરાં બોલવા લાગ્યાં. ઓચીંતાં મેરૂનાં નાખોરાં ચૂપ થયાં. ફાળીઉં ખસેડીને મેરૂ ઉઠ્યો. નાગના પડખામાંથી બંદુક ઉપાડી. બહારવટીયાની બંદુક એટલે તો દારૂગોળી ને કેપ ચડાવેલી તૈયાર : મેરૂએ નાગના કપાળમાં નોંધી. વછોડી. નાગના માથાની તાંસળી નીકળી પડી. ઉંઘતે ઉંઘતે જ નાગ ફેંસલ થયો. બંદુક ઉઠાવીને મેરૂએ જંગલ સોંસરવી હડી દીધી. સીધો આવ્યો જુનાગઢ શહેરમાં. પોલીસના ઉપરી પાસે જઈ બંદુક ધરી દીધી. શ્વાસ હેઠો મેલ્યા વગર બોલ્યો “હું મેરૂ બારવટીયો. નાગને મારીને આવું છું. એકલો રામવાળો જ રહ્યો છે. એક જ ભડાકાનો દારૂગોળો છે. પગ પાકવાથી અપંગ પડ્યો છે. હાલો દેખાડું.”

જુનાગઢની ગીસ્ત બોરીએ ગાળે ચડી. પછવાડેથી ભોંયરાના ઉપલા ભાગ પર ચડીને બંદુકદારો ઉભા રહ્યા. ઉપરથી હાકલા કરવા માંડ્યા કે “એ રામવાળા ! હવે બા'ર નીકળ.”

અંદર બેઠો બેઠો રામ રોટલાનો લોટ મસળી રહ્યો છે. પગ સુણીને થાંભલો થયો છે. પડખે એક જ ભડાકાના સાધનવાળી બંદુક પડી છે. બંદુક સામે એણે કરૂણ નજરે નિરખી લીધું. પોતાના અંતરમાં વાત પામી ગયો. એણે અવાજ દીધો “મેરૂ ! લીંડીચૂસ ! આખરે ખુટ્યો કે ?”