પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
સોરઠી બહારવટીયા : ૩
 


“બહાર નીકળ રામવાળા !” ફરીને ફોજનો પડકાર આવ્યો.

“ગીસ્તવાળાઓ !” રામે જવાબ દીધો: “આજ હું લાચાર થઈ પડ્યો છું. મારો પગ નથી. સાધન નથી. નહિ તો હું રામ આવું જશનું મોત જાતું ન કરું. રામ ભોંયરે ન ગરી રહે. પણ મેં જુનાગઢનું શું બગાડ્યું છે ? તમે શીદ મને મારવા ચડ્યા છો ?”

“અરે બહાર નીકળ મોટા શુરવીર !” ઉપર ઉભી ઉભી ગીસ્ત ગાજે છે.

“ભાઈ પડકારનારાઓ ! ત્યાં ઉપર ઉભા ઉભા કાં જોર દેખાડો ? આવો આવો, ઉતરીને સન્મુખ આવો. રામ એકલો છે, એક જ ભડાકો કરી શકે એમ છે, અપંગ છે, તો ય કહે છે કે સામા આવો. જરાક રામનું ધીંગાણું જોઈ લ્યો.”

સામસામી આવી બોલાચાલી થતી રહી. પણ રામવાળો નીકળતો નથી કે નથી ગીસ્ત પડમાં આવતી. આખરે ગીસ્તે કાંટાના મોટા મોટા ગાળીઆ આણ્યા. ઉપરથી ગાળીઆ નીચે ઉતારી ભોંયરાના મોઢા આડા દઈ દીધા. પછી આગ લગાડી. તાપ અને ધુંવાડે એ ચોમેરથી બીડાએલા ભેાંયરાને ભરી દીધું. બહારવટીયો નિરૂપાય બનીને જીવતો બફાવા લાગ્યો. છેવટે ન રહેવાયું. જીવ ટુંકાવા લાગ્યો. તલવાર ખેંચીને એક પગે ખોડંગતો રામ 'હૂત !' કરતો બહાર ઠેક્યો. ઠેકીને પડ્યો. થોડુંક કામ બાકી રહેલું તે ગીસ્તની પચાસ સામટી બંદુકે પૂરું કર્યું. રામવાળો ક્યાં રોકાણો ?

રામવાળાનાં લગન આવ્યાં;
લગનીઆંનો ઠાઠ ગોઝારો, બોરીઓ ગાળો,
ક્યાં રોકાણો રામવાળો !
ખરે બપોરે જાનું ઉઘલિયું;
જાનૈયાનો ઠાઠ ગોઝારો, બોરીઓ ગાળો,
ક્યાં રોકાણો રામવાળો !

બીજો રાસડો આ છે:

ડુંગરડા દોયલા થીયા ! પગ તારો વેરી થીયો !
રામવાળા ગલઢેરા ! ડુંગરડા દોયલા થીયા.'