પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વારની કચેરી ખલાસ થઈ અને તૂર્ત જ એક પાતળીઓ, ઠીંગણો, પણ ચોક્ખા નમણા ચહેરાવાળો આદમી ઉભો થયો ને ઠાકોરને નીચા લળીને સલામ કરી.

“કેમ મોવર જમાદાર ?” ઠાકોરે ઉભા થનારને પૂછ્યું, “કેમ આજ વે'લા વે'લા ઉભા થયા ?”

“બાવા ! મારો છોકરો બિમાર છે. એની સારવારમાં કદાચ સાંજની મશાલને ટાણે બેઘડી મોડું વે'લું થાય તો માફી માગી લઉં છું.” કતલ કરી નાખે તોય જોવી ગમે એવી પાણીદાર છરી શી મીઠી દોંગાઈને મુખમુદ્રા ઉપર ધારણ કરતો એ બાંઠીઓ મીયાણો બોલ્યો.

“ફિકર નહિ, જાઓ.” કહીને ઠાકોરે ય મ્હેાં મલકાવ્યું. માળીઆ ઠાકોરની કચેરીનો એ માનીતો મીયાણો ઘેરે ગયો. હથીઆર પડીઆર પૂરેપૂરાં બાંધી લીધાં અને આખી સોરઠમાં નામીચી પોતાની રોઝડી ઘોડી પર પલાણ માંડ્યું. બે પડછંદ મીયાણીઓ બારણામાં આવીને ઉભી હતી તેની સામે દુત્તાઈભર્યું મ્હેાં મલકાવતો રોઝડી પર રાંગ વાળીને એ ચાલી નીકળ્યો. ઘરમાં દીકરાનો મંદવાડ હોવાની વાત ગલત હતી એ તો બેાલનાર ને સાંભળનાર સહુ યે સમજતા હતા.

આ રોઝડીનો અસ્વાર તે પોતે જ મેાવર સંધવાણી : બાપનું નામ સધુ. માનું નામ રેમાં. જે બે જણીઓ બારણામાં વળાવા