પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોવર સંધવાણી
૧૬૧
 

આવી હતી તે બેઉ એની એારતો બીજીબાઈ અને રૂપાંબાઈ. અત્યારે એ જાય છે પોતાનો પ્યારો ધંધો ખેડવા : રોઝડી પણ ધણીની નાનકડી કસાએલી કાયાને પીઠ પર ગુલતાન કરાવતી પંથ કાપી રહી છે. ભેળા આટલા ભેરૂબંધો છેઃ ગોપાલ બેચર-હેડાઉ નામે એક બ્રાહ્મણ, મામદજામ, મોવર કોજા રાણા, વાલો નામેરી ઠુંઠો, મુંમા રઘુ, ઇસો માણેક, રણમલ સરમણ, રણમલ સામત કોજો, અને માણેક ભારો નામના આઠ મીયાણા.

સાતેક ગાઉ આઘે એક વીડી આવે છે. મોરબી શહેર તાબાના જેતપર ગામે જવાનો ધોરી રસ્તો ચાલ્યા જાય છે. એક પડખે સપાટ રેતાળ રણ સળગે છે ને બીજે પડખે ખોયાણ નદી મચ્છુનાં ઉંડા કોતરો પડ્યાં છે. તેવી જગ્યાએ સંતાઈને ટોળી બેસી ગઈ. બરાબર ટેવ્યા પ્રમાણને ટાણે મોરબીના માર્ગે એક ઉંટ દેખાણો. ઉપર બે અસ્વાર છે. અસલ થળનો ઉંટ પણ કસકસી જાય એટલો વજનદાર માલ એ તોતીંગ જાનવર પર લાદેલ છે.

ઉંટ આવી પહોંચતાં જ લૂંટારા ઉભા થયા. આડા ફર્યા. અસ્વારને બંદૂકની નાળ્ય દેખાડી. ઉંટ ઝોકારાવ્યો. સામાનના કોથળા તોડાવ્યા. અંદર સોનાની પાટો અને મશરૂના તાકા ઉપર તાકા હતા. દરેક જણાએ પોતાનાં ઘોડાંની પીઠ નમી જાય એટલો માલ લાદી ઘોડાં હાંકી મુક્યાં. પરબારાં મચ્છુ નદીના સાકરીઆ વોંકળામાં ઉતરી એક છુપી જગ્યાએ લૂંટ દાટી. સાંજરે મશાલ ટાણે મોવર જેવો હતો તેવો બનીને માળીઆ ઠાકોરની કચેરીમાં પાછો હાજર થઈ ગયો. ઠાકોરે મ્હોં મલકાવ્યું.

બીજા દિવસની પ્હો ફાટે તેટલામાં તો આખી કાઠીઆવાડ સોંસરવી સુસવાટી બોલી ગઈ કે માળીઆ અને મોરબીની વચ્ચે વીડીની અંદર મોરબી રાજની જેતપુર જતી ભારે બેંગી લૂંટાણી. મોરબી રાજના પગીઓએ પગેરૂં કાઢ્યું. સગડ વીડીમાંથી સાકરીઆ વોંકળામાં ઉતરી પરબારા માળીઆ ગામમાં નીકળ્યા.

રાજકોટની એજન્સી જાણતી હતી કે મોરબી અને માળીઆનાં બેય ભાંડુ રાજ વચ્ચે વંશપરંપરાની અદાવત સળગી રહી છે અને