પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
સોરઠી બહારવટીયા : ૩
 

ધણી આવીને દેશે. કે'જો કામદારને, કે હવે ઝાઝી વાર નહિ લાગે.”

માળીઆનો કારભારી ગિરધરલાલ માનતો હતો કે આવા ચોકીપહેરાના પાકા બંદોબસ્તમાં થઈને બહારવટીયો રાત વરત આવજા કરી શકે નહિ: અને બીજી બાજુએ એને જાણ થઈ કે મોવરની સ્ત્રી બીજીબાઈને મહિના રહ્યા છે. એ જાણીને વાણીઆએ ભૂલ ખાધી. મીંયાણીઓની નીતિ ઢીલી લેખાય. અને મીંયાણા મરદોના ખૂનખરાબા પણ એની ઓરતોનાં મેલા શીલમાંથી જ નીપજતાં હોય, એટલે ગિરધરલાલે બીજઈને હલકી માનવાનું ગોથું ખાધું. કોઈ બાઈની સાથે એણે બીજઈને મેણું કહેવરાવ્યું. પણ બહારવટીયાની બાયડી આ ખોટા કલંકને ખમી શકી નહિ. એનો ધણી મોવર તો વખતો વખત ઘેર આવીને રાત રહી જતો. બીજે વખતે જ્યારે એ આવ્યો ત્યારે બીજઈએ ગિરધરલાલને જવાબ પહોંચાડવા માટે એને ઉશ્કેરી મૂક્યો. અને મોવરે બાતમી મેળવીને એ જવાબ દેવાનું ટાણું નક્કી કરી લીધું.

દિવસ આથમતો હતો. વવાણીઆ બંદરથી એક સીગરામ આવતો હતો. એમાં ગિરધરલાલ પટવારી હતા. માળીઆ તદન ઢૂકડું રહ્યું. દરબારગઢની મેડી ઉપર બેઠેલા ઠાકોર અને તેના દસોંદી વવાણીઆની સડકે નજર કરતા કામદારની વાટ જોવે છે. સીગરામ જાણે કે એક વાર દેખાણો પણ ખરો; પછી પાછો ઝાડનાં ઝુંડમાં દાખલ થયેલો સીગરામ દેખાતો બંધ થયો. કેમકે માર્ગે કામદારની મહેમાની થઈ રહી હતી.

બહારવટીયાની ટોળીએ કામદારને ઉતારીને ખેતર વચાળે સોનેરી તળાવડીને કાંઠે લીધા. મોવરે કહ્યું કે “ગિરધરલાલ કામદાર ! હમલ કોના રહ્યા છે એ સવાલનો જવાબ લેતા જાઓ. મરદની એારતને તો મરદના જ હમલ હોય એ વાત ભૂલતા નહિ. પણ કદાચ ભૂલી જાઓ તે માટે હમેશનું સાંભારણું આપું છું.”