પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોવર સંધવાણી
૧૭૧
 

“સાહેબનો બોલ છે ?”

“હા, સાહેબનો બોલ.”

“હાલો ત્યારે, હું રજુ થાવા આવું છું.”

ગુજરાતના ડીસા કાંપથી થોડેક આઘે ઝાડીમાં મોવરે આવીને સામન્ડ સાહેબની સન્મુખ હથીઆર છોડ્યાં. એને ઝાલીને રાજકોટ લઈ આવ્યા. બાલાચડીની ટેકરી ઉપર અદાલત બેઠી. મોવરના માથાના ઈનામના રૂપીઆ પાંચ હજાર સરકારે રાજકોટની એક અંગ્રેજ વેપારીની પેઢીમાં જમા રખાવ્યા. ગોરો જડજ સાહેબ કૅપ્ટન ફૅન્ટન સેશન્સની અદાલત ચલાવવા બેઠો. લૂંટ, ખૂન, અને નાક કાપવાના અનેક કિસ્સામાં એક પછી એક સાક્ષીઓની જુબાની લેવાણી. પ્રથમથી જ થએલી ગોઠવણ પ્રમાણે એકાએક સાક્ષી આરોપીના પીંજરા સામે નજર કરી, મોવરની રાતી આંખ સામે મીટ માંડી, પઢાવેલા પોપટની જેમ કહેતો ગયો કે “ના સાહેબ, આ તો નહિ, આના જેવો કોઈક બીજો જણ ઈ ગુન્હો કરનારો હતો !”

દસ દિવસે આ મુકર્દમાનું નાટક ખલ્લાસ થયું. મોવર સો સો ગુન્હાના આરોપમાંથી સાવ નિર્દોષ ઠરી છૂટી ગયો. રૂા. પાંચ હજારમાંથી એના વકીલની ફી બાદ જતાં બાકીની આખી રકમ એને સુપ્રત થઈ અને નવાનગરમાં વીભા જામે મેાવરને જમાદારીની જગ્યા આપી. એ આબરૂદાર હાલતમાં જ મોવરની આવરદા પૂરી થઈ.