પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

જોધા વાઘેરનો ભત્રીજો મુળુ માણેક પણ એવો જ વ્હેમી અને વિચિત્ર પ્રકારનો પ્રભુભક્ત હતો. એણે તો માધવપૂર લૂંટવાની મધરાતે જ મંદિરના પૂજારીને પકડી મંગાવી, મંદિર ઉધડાવી, માધવરાયની પ્રતિમાને બાઝી પડી ચોધાર આંસુડે રૂદન કર્યું હતું ! અને મોવર સંધવાણી સરખા ચોરને પણ 'કોઠાવાળો પીર' સ્વપ્ને આવી સંદેશા દેતો હોવાની માન્યતા હતી. પ્રાચીન બહારવટીઆ જેસાવેજા તો દેવી માતાએ આપેલાં બે ધોળાં રોઝ પર ઘોડાને બદલે અસવારી કરી વિષમ નદીઓ ઠેકી જતા હોવાનું બોલાય છે. બહારવટીઆ એટલે શુકન અપશુકનના મોટા વ્હેમી : જુના કાળમાં સંગાથે અક્કેક શુકનાવળી રાખેઃ ગધેડાનુ ભૂંકણ, ભૈરવ પક્ષીની બોલી, સામે પવને ધજાનું ઉડવું, વગેરે ચિન્હોમાંથી આ શુકન જોનારા શુભાશુભ પરિણામ ઉકેલવા ગામ ભાંગતા પહેલાં કોઈ બહારવટીઓ સીમાડે સૂઈને અમૂક સ્ફૂરણા અનુભવતા તેને ઇષ્ટદેવની અનુમતિ સમજી લેતો, તો કોઈ રામવાળા જેવો પેાતાની ટોળીની સંખ્યા–ગણતી કરીને નવ જણને બદલે દસ દેખાય તો 'દસમો સૂરજ ભેરે છે ' એમ ગણી ચાલતો. સંખ્યા ન વધે તો વળી જતો. ઈષ્ટદેવોની આરાધનામાં બેશક આત્મ-રક્ષાનો જ આશય ઉભો હતો.

દેહદમન

આવી રીતે દેવદેવીઓની સહાય મેળવવી એટલે પવિત્રતાના, દેહદમનનાં, એવાં બિરુદોનું પણ પાલન કરવું. ઘણી વાર તો એ પાલન અજબ બની જતું. એક બાજુ મનુષ્યોનો સંહાર અને બીજી બાજુ નાનાં જંતુની પણ જીવન-રક્ષા ! જેસોવેજો તો પોતાના અંગ પરની જુ પણ ન નાખી દેતા ડગલામાં જ સાચવી જીવાડતા. કહેવાય છે કે એ ડગલાએામાં એટલી તો જુઓ ખદબદતી કે પોતે બાન પકડેલા માણસ પાસેથી પૈસા કઢાવવા માટે તેઓ તેને એ ડગલા પહેરાવી જુઓના ચટકાથી તોબાહ પોકરાવતા. છતાં એટલી બધી જુઓ એ જોગી જેવા ભાઈઓ કાયમ પાતાના શરીર પર ધારણ કરી રહેતા. એટલું જ બસ નથી. એના કાકા ગંગાદાસને તો પીઠ પર પાઠું પડેલુ: એ પાંઠામાં ગંગદાસજી લોટનો પીંડો ભરીને કીડાને એ ખવરાવી જીવાડતા. કીડા નીચે પડી જાય તો ઉપાડી પાછા પાઠામા નાખતા.

યતિધર્મ

સારા બહારવટીઆ તો ગૃહસ્થાશ્રમને પણ ત્યજી દેતા હતા. જોગીદાસનાં સ્ત્રીબાલકો ભાવનગર ઠાકોરના દરબારગઢમાં અટકાયતે પડ્યા