પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨

હોવાથી એણે કૈં કૈં વર્ષો સુધી ગૃહસ્થાશ્રમનાં દર્શન પણ નહોતાં લીધા. જેસાજીવેજાજીનાં બાળબચ્ચાં પણ વિખૂટા પડીને ગુપ્ત વેશે નટોના પંખા (ટોળા) સાથે ભમતાં હતાં. એથી યે વધુ રોમાંચકારી કથા તો છે ચાંપા ખુમાણ નામના જુવાન કાઠીની, પાલીતાણા રાજ્ય સામે બહારવટે નીકળનાર કાઠી હીપા ખુમાણનો એ નાનેરો દીકરો પિતાની આજ્ઞા થતાં પોતાને ગામ માતાને રાતે ખરચી આપવા જાય છે: મા રાત રહેવા વિનવે છે પણ એને તો બહારવટું પાર પડ્યા પહેલાં ઘરનું પાણી પીવું ય હરામ છે : માતાએ માન્યું કે ઓરડામા ઉભેલી એની સ્ત્રી સાથે ચાર આંખ એક થશે તો દીકરો રોકાઈ જશે, એટલે બહાનુ બતાવીને અંદર મોકલ્યો: ચાંપો અંદર ચાલ્યો : આશાભરી કાઠીઆણીએ ઢોલીઓ ઢાળ્યો : જુવાન ચાંપાની અાંખ બદલી : બોલ્યો : “કાઠીઆાણી છો ? અટાણે ઢોલીઓ ! હું બહારવટે છું એટલી ય ખબર ન રહી !” એમ કહી ચાંપો ગયો : અને બીજી જ રાતે ગારીઆધારના દરબારગઢને ઉંબરે મેરજી સંધીની ગેાળીથી વીંધાઈ મરણ પામ્યો.

બાકી ઉતરતી ભૂમિકાના મેાવર સંધવાણી જેવા બહારવટીઆ છુપી- ચેારીથી પોતાને ઘેર જતા અને રાત્રિઓ ગાળી આવતા.

દયાદાન

વાલો ઠુંઠીઓ જે વેળા રણમાં ઉંટનું કુંડાળું કરીને સામે આવતા શત્રુઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે કહેવાય છે કે શત્રુઓએ ગાયોનું ધણ આડે ઉભું રાખ્યું, અને વાલાએ, પાતે મુસલમાન હોવા છતાં પણ, ગાયો ઉપર ગોળીબાર ન કરવાની આજ્ઞા દઈ, કેવળ ગાયોને નસાડવા પૂરતા જ પગ તરફ ભડાકા કરી પોતાનો બચાવ કરેલો.

જોધા માણેકે કોડીનાર લૂંટીને ત્રણ દિવસ સુધી કોડીનાર પર રીતસર રાજ કરી, ન્યાય ચુકાવી, ગોંદરે ગાયોને કપાસીઆ નીર્યા હતા અને બ્રાહ્મણોની ચોરાશી જમાડી હતી. બ્રાહ્મણા, બાવા, સાધુઓ વગેરેને ખવરાવવાનો આગ્રહ તો લગભગ દરેક બહારવટીઆઓએ બતાવ્યો હતો. અલબત એમાં તો ધર્માદાની રૂઢિગત ભાવના જ હતી, પરંતુ બહારવટીઆના મનમાં એની ભાવના તો હતી જ. (શીવાજીએ પણ પોતાના શરીર ભારોભારનું સૂવર્ણ બ્રાહ્મણોને જ વહેંચ્યું હતું.)

સ્ત્રીજાતિનું સન્માન

લોકસમૂહ તો આ સર્વથી ઉંચા–અતિ ઊંચા એવા એક યતિ- ધર્મ ઉપર ફીદા થાય છે : એ હતો સ્ત્રીજાતિ પ્રત્યેના સન્માનનો