પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩

બહારવટાં–ધર્મ : જોગીદાસ ખુમાણે અને કાદુ મકરાણીએ પોતાના પર મુગ્ધ બની પરણવા આવનારી સુંદરીઓનો તિરસ્કાર કરેલો. જોગીદાસ તો પોતે સ્ત્રીજાતિ પ્રતિના સન્માન રૂપે જીવ્યો ત્યાં સુધી હમેશાં હાલચાલના રસ્તા તરફ પોતાની પીઠ દઈને જ બેસતો હતો. કોઈ દિવસ રસ્તા સન્મુખ મ્હોં રાખીને તે નથી બેઠો. સ્ત્રીને દેખતાંની વાર જ એ પોતાના મ્હોં પર પછેડીનો ઘુમટો તાણી જતો. એટલું જ બસ નથી એણે તો પોતાના માનમાં ભાવનગરની કચેરીની અંદર અધમ વારાંગનાને પણ નૃત્ય કરતી અટકાવીને “મારી માબોન્યુ.” કહેલી.

બહારવટીઆની એ સ્ત્રી-સન્માનની ભાવનાએ બીજી સર્વ ભાવનાઓ કરતાં વધુ સચોટ અસર જનતા ઉપર છાંટેલી છે, અને તે કારણે જ ચારણોએ પણ સહુથી વધુ મૂલ્યવતી કવિતાનાં અર્ધ્ય એ શિયળને જ ચડાવ્યા છે. એના જ દુહાસોરઠા વધુ જોરદાર, વધુ પ્રચલિત ને વધુ બાંકા છે :

ઠણકો ના૨ થીયે, ચત ખૂમા ! ચળ્યું નહિ,
ભાખર ભીલડીએ, જડધર મોયો જોગડા !

[ ઓ ખુમાણ ! નારીના પગનો ઠમકારો થવાથી તારૂં ચિત્ત કદિ ન ચળ્યું; જ્યારે બીજી બાજુ તો ઓ જોગીદાસ ! મેાટા જટાધારી શંકર પણ ક્ષુદ્ર એક ભીલડી ઉપર મોહી પડેલા ! ]

પ૨નારી પેખી નહિ, મીટે માણારા !
શીંગી રખ ચળિયા, જુવણ જોગીદાસીઆ !

[ ઓ માણા (કાઠી) ના પુત્ર ! ઓ જુવાન જોગીદાસ ! તેં તો પરનારી તરફ આંખની મીટ પણ નથી માંડી; જ્યારે પેલા વૃદ્ધ શ્રૃંગી ઋષિ જેવા પણ ચલાયમાન થઈ ગયા હતા. ]

કાદુ મકરાણી પણ કાછનો એવો જ સાબૂત: ધરની ઓરતને તો એણે મકરાણમા મોકલી દીધેલી : બે ભાઈએાને લઈને ગામડાં ભાંગે છે : એક દિવસ મોડી રાતે લોઢવા ગામના એક કારડીઆ રજપૂતનાં ઘરમાં પેસતાં એ ઘરની સૂતેલી સ્ત્રી અર્ધ નગ્નાવસ્થામાં જ ઉઠીને નાઠી : કાદુ પીઠ દઈ ઉભો રહ્યો : કહ્યું કે બેન ! તારાં કપડાં સંભાળી લે : પણ એ અબળા ધાકની મારી હલી ચલી ન શકી: બેન ! તારી ખડકી દઈ દે ! એટલું કહીને કાદુ બહાર નીકળી ગયો. એ ઘર ન લૂંટ્યું.