પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

મારો ભાઈ થા. વેર તો હું પછી વાળીશ.” એમ કહી તે જખ્મી શત્રુને પીઠ પર ઉપાડી, વસઈ ગામે મૂકી આવ્યો. વાલો બહારવટીઓ પોતાના એક મીયાણા દુશ્મનને સામે ચાલ્યો આવતો દેખે છે : ગોળી ચલાવે છે: એક પછી એક સાત ગોળી મારી પણ શત્રુને એક પણ ન આંટી : બંદૂક મેલીને વાલો સામે ચાલી : “આવ બેલી આવ, તારી બાજરી હજી બાકી છે. ખુદાની ઉપરવટ મારે નથી થાવું. આવ, કસુંબો પીએ.” એમ કહીને આદર આપે છે. બીજા એક દુશ્મનને છેક કચ્છના દેપળા ગામ સુધી મારવા ગયેલા: એ સંધી શત્રુએ આવીને પોકાર કર્યો કે “એ વાલા ! તારી ગા.” વાલે કહ્યું. “ ગા થાછ ? દે ભાંભરડા !” શત્રુએ ત્રણ વાર ભાંભરડા દીધા, અને એને ગાય ગણી વાલાએ છોડી દીધો. વાઘેરોને માટે તો સત્તાવાર બોલાય છે કે નાસતા શત્રુને તેઓ “પે મ ભજો ! બાપ ન ભાગો ! માનું દૂધ ન લજાવો !” એવા શુરાતનના પડકારા કરતા, બનતા સુધી ભાગતા શત્રુ ઉપર ઘા ન કરતા.

ખુન્નસભર્યો કાદુ, પોતાનાં કુળ પર કારમાં વીતકો વીતાવનાર પોલીટીકલ એજન્ટ સ્કૉટને ઠાર મારવા જતાં, ઘોડાગાડી ચુકે, બીજી ગાડીમા બેઠેલ અન્ય ગોરાને કે સ્કૉટની મડમને ન મારે, જેક્સન સાહેબ એને નિરાશાજનક જવાબ દેવા જંગલમાં એકલો મળે ત્યારે પણ જેકસનને બાન ન ઝાલે, એ સ્વાર્થત્યાગમાં ખરો શત્રુ-ધર્મ રહેલો છે.

ભીમો જત બબીઅારાના ડુંગર પર એક જ સાથીના સાથમાં ગાફલ બનીને બેઠો છેઃ ઓચીંતો શત્રુની ફોજે ઘેરી લીધો: શત્રુના મીરે સામેથી પડકાર્યો કે “હવે ભીમો ભાગે નહિ. જણનારી લાજે !” ભીમો ઉભો રહ્યો: શત્રુઓને હાકલ દીધી કે “તમે મને મારી નાખશો એમાં તો શક નથી. પણ મર્દની રમત જોવી હોય તો આડ હથિયારે આવી જાઓ !” તલવારની રમત મંડાય : ભીમાએ ઠેકી ઠેકીને દુશ્મનોને વાંસાના ઘા કર્યાઃ ને પછી દગાથી એનો દેહ પડે: એ કથામાં પણ શૌર્યની ખાનદાની છે. આવો શત્રુધર્મ જે ન બતાવી શક્યા તેણે પાતાના સાથીઓની ને પ્રજાની દિલસોજી ગુમાવી હતી. બાવાવાળાએ મદાંધ બની પોતાના શત્રુ હરસુરવાળાને સાંતી હાંકતો કર્યોઃ મિત્રો કહે 'બાવાવાળા ! એને બે ઝાળાં તો દે !' બાવાની છાતીએથી ન છુટ્યું: સાથી રીસાઈને ચાલ્યો ગયો: શત્રુધર્મ સમજવાની ના પાડનાર બાવાવાળાનો એણે થોડે દિવસે નાશ કર્યો.