પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩


બહારવટીઆનાં કાવ્યો

જ્યાં જ્યાં વીરતા અને દિલાવરી ગઈ, ત્યાં ત્યાં લોકોની કવિતા પણ યશ ગાતી પાછળ ચાલી. બહારવટીઆનાં પ્રેમશૌર્યે કવિતાને આકર્ષી છે : યુરોપમાં પણ પ્રો. ગમીઅર લખે છે તેમ- "The outlaw, now as an humble poacher and now as an ideal champion of the rights of man against church and state, is a natural favourite of the ballad muse”- એ રીતે બહારવટીઓ કાવ્યનું પ્રિય પાત્ર બન્યો છે. (એક નમૂનો પાછળ આવી ગયો છે.) સોરઠી બહારવટીઆનાં પ્રશસ્તિ–ગીતોના પ્રકાર આટલા છે.

૧. ગ્રામ્ય નારીઓએ રચ્યાગાયા રાસડા : સ્ત્રીહૃદયને મૃત્યુની કરુણતા વિશેષ સ્પર્શતી નથી એને કાંઠેથી આવા મરશીઆ નીતર્યા :

આડે ડુંગરથી ઉતર્યો નાથો, માઠાં શૂકન થાય,
ડાબી ભેરવ કળકળે નાથ ! જમણાં જાંગર જાય,
મોઢાને મારવો નોતો રે ભગત તો સાગનો સોટો.

એવું જ બાવાવાળાનું ગીત. એવું જ “છેતરીને છેલને નોતો મારવો"

ર. રાવણહથ્થાવાળા નાથબાવાઓ, અથવા કાફીઓ રચીને ગાનારા ફકીરોદસ્તગીરોના ગીતો : પેાતાના તંતુ-વાદ્યોના તાર પર ચડી શકે તેવા ઢાળો પસંદ કરીને તેઓએ રચના કરી. એમા વૈવિધ્ય મૂક્યું. એની શબ્દ-રચનાથી સંગ્રામ-સૂર (trumpetlike sound) સર્જ્યો. વધુ પડતા વખાણો લેપ્યા, છતાં ઇતિહાસનું આછેરૂં નિરૂપણ કર્યું. જુઓ :

ભુજવાળાનું ગામ ભાંગ્યું ને ફોજું ચડિયું હજાર,
ઉંટ ઘોડાં તે આડાં દીધાં રે, ધીંગાણું કીધું ધરાર
નામોરીનો નર છે વંકો રે વાલા ! તારો દેશમાં ડંકો !

આ ઢાળ સરલ ને વેગીલો હોવાથી વારંવાર વપરાયો. વળી વાઘેરો વિષેની કાફીઓ એક નવો જ ચીલો પાડે :

કોડીનાર મારીને જાય
ઓખેજો રાજા કોડીનાર મારીને જાય.
ગોમતીજો રાજા કોડીનાર મારીને જાય.