પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪o

કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ તેમાં ખીલી શકે તેવું છે, અને કોઇ દિવસ એ ખીલે તેવી આપણે આશા રાખીએ. પરંતુ આ યુદ્ધલીલા જીવન-દશાને પણ આદર્શ હતો, એવું થોડુંક બોલી શકાય તેમ એની ચાહે તેટલી ક્રુરતા અને શોક-વેદના વચ્ચે પણ એ જીવનદશા તે આત્માની-spiritની જીવનદશા હતી. એ દિલાવરી, સચ્ચાઈ અને હીંમતથી ભરપૂર હતી. એથી ય વધુ આકર્ષક તો તેમાં મૃત્યુ ઉચિત સ્થાન હતું. તેઓ માનતા કે મૃત્યુ તો એક બાજી છે. બાજીમાં આખરે તો સહુએ હારવું જ સરજાયું છે, રમી રમીને ભાઇ છેવટે હારીએ. પણ પાસા તો ફેંકી લઇએ. એ હારમાં પણ મસ્તી જ છે.” [ સર હેન્રી ન્યુબોલ્ટ ]

માટે જ બહારવટીઆનાં કાવ્યોની મીઠામાં મીઠી પંક્તિઓ તેઓના મૃત્યુ વિષેની છે. મૃત્યુ પર એ કવિતાએ સુંદર અશ્રુઓ સાર્યા છે. એ રુદન-સ્વરો પશ્ચાત્તાપના નથી, નિરાશાના કે સંતાપના નથી. એમાંથી તો ગુંજે છે કોઈ અગાધ મમતાના સ્વરો. એમાંથી તો વીરની મહત્તાનો ઘોષ ગાજે છે :

નારીયું નત્ય રંડાય, નર કેદિ રંડાય નહિ
એાખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો!


ગોમતીએ ઘુંઘટ તાણીઆ, રોયા રણછોડરાય,
મોતી હૂતું તે રોળાઈ ગીયું, માણેક ડુંગરમાંય.


ઈંદ્રલોકથી ઉતરીયું, રંભાઉં બોળે રૂપ
માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થીયા ભૂપ.

એ શબ્દોમાં નુકશાનીના વિલાપ નથી : મુળુ માણેક પાયમાલ થઈને ભુંડે હાલે મુવો તેનો કટાક્ષ નથી. એણે આમ કર્યું માટે એની આ વલે થઈ, તે જાતનો ફેંસલો નથી. મૃત્યુમાં પણ મુળુ તો 'મોતી' જ રહે છે. ઓખાભૂમિનો ભરથાર જ રહે છે. ગોમતીજીનો પણ પુત્ર જ રહે છે. રણછોડરાયને પણ રોવરાવે છે. એજ ધ્વનિ આ રહ્યો :

રામવાળાનાં લગન આવ્યાં,
લગનીયાંનો ઠાઠ ગોઝારો, બોરીયો ગાળો, કયાં રોકાણો
રામવાળો !