પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨


ક્રૂર આાચરણો

હારવટીઆઓનાં ઉચ્ચ તત્ત્વો બતાવી દીધા પછી આ હકીકત તો ઉભી જ રહે છે : ગામ બાળવાં, ખેડુતોનાં માથાં વાઢી ધીંસરાં કરવાં, વેપારીઓના ચોપડા બાળવા, નિર્દોષોને લૂંટવા, ન આપે તેને મારવા : એ બધું પ્રત્યેક બહારવટીઆના જીવનમાં વત્તાઓછા પ્રમાણમાં થયા જ કર્યું છે. પરંતુ તેનો એક જવાબ છે. બહારવટું એટલે શું ? પેાતાનો ગરાસ ઝુંટવનાર પ્રબલ રાજસત્તા સામે શત્રુતા જાહેર કરવી : લડાઇ જાહેર કરવી : અને લડાઈ એટલે શું તે આજના સરકારી યુગમાં પણ આપણાથી અજાણ્યું નથી. એક સત્તા સામી સત્તા ઉપર હરકોઈ ઈલાજે એવું દબાણ લાવે કે સુલેહ કરવાની એને ફરજ પડે : એ લડાઈની નેમ છે, એ નેમને અનુસરનારાં યુદ્ધગામી રાજ્યો આજ પણ સદોષનિર્દોષનો વિચાર નથી કરતા. એ તો શત્રુના સમગ્ર રાજને, એટલે કે રાજા તેમજ પ્રજા બન્નેને શત્રુ ગણે છે. શત્રુ રાજ્યના તમામ પ્રજાજનોને પોતાને ઘેર નજરકેદ રાખે છે, એની સંપત્તિ કબ્જે કરે છે, વગેરે બધુ આજના યુગે પણ આવશ્યક ગણેલું યુદ્ધનું નીતિતત્ત્વ છે. હવે આપણે બહારવટીઆના આચરણ તપાસીએ : એમનામાં સ્વયંભૂ કામ કરી રહેલી મનોવૃત્તિને પકડીએ : એ યુદ્દે ચડ્યા, તો પોતાના બરાબરીઆની સામે નહિ, પણ સોગણા પ્રબુદ્ધ શત્રુઓની સામે. પોતાની પાસે લાવ-લશ્કર તો નહોતું. છતાં શત્રુ પેાતાના અન્યાયનો પ્રતિકાર કરે એવું ઉગ્ર દબાણ તો તેઓને શત્રુની ઉપર આણવું જ હતું. એને મન કેવળ રાજ જ નહિ, પણ એ રાજશાસનમાં શામિલ રહેતી, આધીન રહેતી, એના રક્ષણ થકી આબાદાની ભોગવતી તથા એ રાજશાસનને કરવેરા ભરી નિભાવી રાખતી સમગ્ર પ્રજા સુદ્ધા શત્રુ હતી. માટે તેના પર પણ ભીંસ લાવવી એ તેઓની યુદ્ધનીતિને મંજૂર હતું. જેમ રાજસત્તાઓ બહારવટીઆનાં સગાંવહાલાને પરહેજ કરી તેના ગીરાગરાસ ખાલસા કરે, તેના મળતીઆઓને રીબાવે, તેમ બહારવટીઆ પણ રાજસત્તાની જમીન વાવવા લણવા ન દે અને બીજી હજાર રીતે સત્તાને ગુંગળાવી મૂકે, કે જેને પરિણામે રાજને સુલેહનાં નોતરાં આપવા સિવાય અન્ય રસ્તો જ ન રહેવો જોઈએ. જોગીદાસ ખુમાણે પેાતાની જ આંચકી લેવાએલી જમીન એ આંચકનાર રાજ્ય તરફથી ખેડૂતોને ખેતી માટે અપાતી જોઈ, ખેડાતી જોઈ, એટલું જ નહિ પણ કુંડલા ઉપર છેક રાજુલાથી દરબારી તોપખાનું ઢસડી લાવનાર પણ એ ખેડૂતોને જ દીઠા. જોગીદાસે કહ્યું કે