પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'બહારવટીઆ'ના સાહિત્યમાં ઉંડો, અભ્યાસપૂર્વકનો રસ લઈ મારા પ્રયત્નો સત્કાર્યા છે. હું એનો ઋણી છું.

બે વર્ષ સુધી આ વિષય પર રજુ થએલા છુટા છવાયા વિચારો તપાસીને તેમજ આને લગતું યુરોપી સાહિત્ય બન્યું તેટલું પચાવીને મારી લાંબી મીમાંસા પણ અત્રે રજુ કરી દઉં છું. એને હું વિચારશીલ આપ્તજનોની નજર તળેથી કઢાવી ગયો છું. તેઓએ મારી વિચાર-સરણી પર પોતાની વિવેકદૃષ્ટિની મોહર ચાંપી છે. એ આપ્તજનો કરતા ઉંચેરી ભૂમિકા પર ચડીને ઉભેલાઓને કદાચ મારી છણાવટ સંતોષ ન આપી શકે એ સંભવિત છે.

હું તો માત્ર એટલું જ વિનવું છું કે કોઈ પણ એક યુગ અન્ય યુગને નરી પોતાની જ વર્તમાન વિચારણાની તુલાએ ન્યાયપૂર્વક ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારોનું સાચું મૂલ મૂલવવા બેસતાં સર્વદેશીય, ઉદાર, અને વિગતોમાંથી સાચો પ્રાણ તારવનારી દૃષ્ટિ જરૂરી છે. તે સિવાય તે યુગ એટલો વેગથી ધસે છે, કે ગઈ કાલ અને આજ વચ્ચે પણ દૃષ્ટિભેદના દરિયા ખોદાય છે; એટલે એ વેગીલી મનોદશાની સામે તો ભૂતવર્તમાનનો કોઈ કલ્યાણ-સંયોગ સંભવતો જ નથી. પણ અતીતનો અનુભવ-સંઘરો જેઓને મન કંઈક ઉપકારક હોય, તેઓને આવાં ઇતિહાસ–પ્રકરણોમાંથી તેજસ્વી વર્તમાન સૃજવા માટે મહાન પ્રાણબળ જડી રહેશે. સંપાદકની ફરજ એવી એક દૃષ્ટિ આપીને વેગળા રહેવાની સમજી હું વિરમું છું.

સૈારાષ્ટ્ર સાહિત્ય મંદિર
રાણપુર
શ્રાવણ શુદ બીજ
૧૯૮૫
સંપાદક
 






મુદ્રક અને પ્રકાશક: અમૃતલાલ દલપતભાઈ શેઠ
મુદ્રણસ્થાન : સૌરાષ્ટ્ર મુદ્રણાલય, રાણપુર.