પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪

એકાદ ઘર અથવા એકાદ વંશ પર અધર્મ ગુજરેલો, ને ત્યાં સમસ્ત પ્રજા ઉપર વૈર વાળવાની વૃત્તિ તો એક હતી. રાજતંત્રને અશક્ય બનાવવાની જ એ રીતિ હતી.

હવે વિચારીએ સંજોગોની વાત : લૂંટ એ અધર્મ છે, અમાનુષીપણું છે, એ ભાવનાનું ભાન એ યુગમાં જીવન્ત નહોતું. કોઈ મોટો વિપ્લવ આવે, અને પ્રત્યેક જણ પોતાને ભાગે વધુમાં વધુ લઈને બેસી જાય, તેવો સમય આવી ગયો હતો. કોઈ મોટું રાજ્ય પણ પોતાની ઈશ્વરદત્ત જમીન લઈને આંહી નહોતું આવ્યું. તમામે આવી આવીને શક્તિ અનુસાર જીતી લીધું. કોઈને કળવકળ વધુ આવડ્યાં તો અન્યને એાછાં સૂઝ્યાં. પણ વિજેતા મોટો લુટારો હતો ને બહારવટીઓ નાનો લુટારો. એટલે Sanctity of possession માલીકીહક્કની પવિત્રતા-એ ભાવ અણખીલ્યો જ હતો, નહોતી કોઈ પ્રબલ ધર્મશક્તિ, કે નહોતી કોઈ સબલ સામાજીક ભાવના. અહિંસાનું વાતાવરણ તો શુન્યવત જ હતું. અહિંસાની લડત હોઈ શકે કે કેમ, તેની છાયા ય કોઈની કલ્પનામાં નહોતી. નહોતી રાષ્ટ્રભાવના. હતાં કેવલ કુલભાવના ને કુલધર્મ. કવિ ન્હાનાલાલ કહે છે તેમ સહુ એકલવિહારી વનરાજો હતા. કોઈ અન્ય રાજયસત્તાને પેાતાના પર ધર્મ રાજય અથવા ન્યાયશાસન ચલાવવા આવેલી ચક્રવર્તી સંસ્થા તરીકે સ્વીકારવા તેઓ તૈયાર નહોતા. એટલે નિરંતર એક જ વૃત્તિ તેઓને ઉચિત તથા ધર્મ્ય લાગી : કે બળીઆ થવું. બેશક, બથાવી પાડવું : Self aggrandisement : એ વૃત્તિ હતી માટાં રાજ્યોની. તેની સામે બહારવટીઆનો બોલ એ હતો કે Live and let live : તું તારૂં ખા, મને મારૂં ખાવા દે.

આ બોલ જ્યા જ્યાં ન ઝીલાયા, ત્યા ત્યાં યુદ્ધનો અગ્નિ ઝર્યો. જે ફાવ્યો તે આજે વિજેતા ગણાયો, ન ફાવ્યો તેના લલાટમાં 'લુંટારો' શબ્દ લખાયો. વિજેતાનાં વિરાટ સૈન્યોએ તેમજ બહારવટીઆએ, બન્નેએ કરી તો કતલ જ. પણ બન્નેના કૃત્યો વિષે ભાષા-પ્રયોગ ભિન્ન થયા. ઉલટું લોકવાયકા બહારવટીઆના આચરણનો જે ચિતાર આપે છે, તેમા તો પેલા વિજયી સૈન્યના સંહારચિત્ર જેટલા લાલ રંગો નથી જ દેખાતા. બહારવટીઓ પોતાની લુંટફાટમાથી મૂડી ભરીભરી બીજે હાથે દેતો જતો, પરમાર્થે વાપરતો, ગજાસ પત જ એ ઉપાડી જતો. અને અન્યના કાયદા ઉથાપતો પણ પોતે પોતાને કાજે કરેલા નેકીના નિયમો તો જીવ સાટે પણ ન ઉલ્લંઘતો. બીજી બાજુ વિજેતાનાં દળકટક જ્યાં થઈને હાલતા યાં ધરતીનું પડ ઉજ્જડ વેરાન બનાવી દેતાં; સ્ત્રીઓ, બાલકો કે ધર્મસ્થાનકો પ્રત્યનો વિવેક ન રાખતાં.