પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯

નિવાસ કરવો : ગામો ભાંગીને ગાયોને કપાસીઆ નીરવા, ચોરાસીઓ જમાડવી, ખેરાત ઉડાવવી : મૃત્યુના ઓછાયા આવરી રહ્યા હોય ત્યારે પણ દાંડીઆરાસ, રાસડા, જીંડારી, ઈત્યાદિના જલ્સા માણવા : સત્તાધીશોને સામેથી કહેણ મોકલવા : પોતાના નેજા ફરકાવવા : અરણ્યોની ઝાડીમાંથી કે નદીની ભેખડમાંથી ઓચીંતા બોકાની બાંધી દેખાવ દેવો : કોઈ અબળાને રક્ષણ આપવું : કોઈ ગરીબ બાપની દીકરીને કન્યાદાન દેવા ઓચીંતા લગ્ન-ચોરીમાં પ્રગટ થવું : કોઈ ગરીબ માણસની સવેલી કન્યાને પરણવા જનારા હરામીની જાન રોકી તેજ જાનમા એ સાચા ગરીબ વરને બેસારી પરણવા લઈ જવો : કોઇ રોટલા આપવા આવનાર બાઈને બ્‍હેનદીકરી કહીને નવાજેશ દેવી : કોઈ સાહેબની મડમને અંતરિયાળ રોકી, લુંટવાને બદલે ઉલટું બ્‍હેન કહી કાપડાના રૂપીઆ આપવા : કોઇ શુરવીર વાણીઓ પણ જો સામો થાય તો તેને બહાદૂર કહી જવા દેવો : બહારવટે છતાં બેધડક રાજસત્તાના ચોકીપહેરા ભેદી કરીને પોતાને ઘેર જઈ કુટુંબને મળવું : વરજાંગ ધાધલની માફક પોતાની વાટ જોતી ઘરની સ્ત્રીને કહેણ મોકલાવ્યા મુજબ જ મળવા જવા નીકળવું : નીકળતી વેળા અપશુકન થાય તેને ન ગણકારી અને પાદરમાં જ શત્રુઓ મળ્યા તેની સાથે ધીંગાણે રમી દેહ પાડવો : શત્રુને પેાતાને જ ગોળી ન મારતાં તેના ઘોડાના ડાબલા પર અથવા કમરના જમૈયા પર બંદુક આંટીને એને ચેતાવવો : સરકારી દફતરો બાળી નાખવા : આ બધુ Romance નું બલવાન તત્ત્વ છે. પુનીઓ ચારણ બસ એકલવિહારી બહારવટીઓ બનીને ચાલી નીકળ્યો, કોઈ સંગાથી જ એણે ન રાખ્યો, અને એકલવાયા ઘુમતા ઝુમતાં જ એણે ધીંગાણાં કર્યા, એ પરથી એને લોકોએ “એકલીઆ” ની પદવી દીધી. એ બધું જીવનની મસ્તી દાખવે છે. બેશક એમાં જંગલી તત્વ ઘણું ઘણું ભર્યું હોય છે. આવા તોરીલા, મોજીલા, વજ્ર શી છાતીવાળા. અડબૂત છતા ઉદાર, ઘાતકી છતાં દયાવંત, લહેરી છતાં ચારિત્રવંત, એવા અનેક બહારવટીઆની જીવન-કથાઓ યુરોપઅમેરિકામાં ય લખાઈ છે. સીનેમાના ચિત્રપટ પણ આકર્ષક રીતે ઉતરી છે. સ્પેનનો Goncho જાતનો લુંટારો એનું સુરેખ દૃષ્ટાંત પૂરૂ પાડે છે. Picturesque but baneful carrier : એ શબ્દો એને માટે સુયોગ્ય જ છે. પચરંગી પીડાકારી જીવનને કારણે જ એ માનવ–ધૂમકેતુઓ મૃત્યુની વાટે નીકળી પડે છે. એ લુંટારાપણું એની પ્રકૃતિ નથી. લુંટો કરીને એ પોતાનું ઘર ભરતા નથી. લુંટ એની લાલસા નથી. એ એની પ્રકૃતિ પરનું જાડુ પાતળું ઢાંકણ છે, નીચે