પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬

તે તો દુર મૂકીએ. એના બોલ પર કદાચ વિશ્વાસ ન ધરીએ. પરંતુ વૉટસન જેવા વિરોધી અંગ્રેજ પેાતાના 'ગેઝેટીઅર'માં જે લખી ગયા છે તેની અવગણના કેવી રીતે કરીએ ? એ લખે છે કે “તેએા શુરી, નિડર, પરોણાની ખાતર કરનારી ને ઈમાની જાત છે, પણ વશ રહે તેવી નથી.” અનુભવીઓના અનુભવ–બોલ છે કે તેઓ વિશ્વાસઘાત નથી કરતા. ઈમાની છે. અને આજ સરકારીદરબારી સખ્ત જાપ્તામાથી થોડો વખત પણ બહાર નીકળી શકનાર મીયાણો કારખાનામાં જઈ પોતાની ઉદ્યમી પ્રકૃતિ અને કુશલતાનો ઠીક પરિચય કરાવે છે. પણ એ કહે છે કે 'ગુન્હેગાર કોમ' તરીકેના કાનૂનોની ભીંસમા પડવાથી એનું ખમીર નીચોવાઈ રહ્યું છે. ઘરઆંગણે ધરતી નિ:સત્વ બની અનાજ આપવાની ના કહે છે, ને બહાર જવાની મના રાજસત્તા કરી રહી છે. એવી સંકડામણમાથી જ ઘણાને ચારીધાડનું શરણ લેવાની ફરજ પડે છે વગેરે વગેરે.

આ કામનાં ઉંડાં તત્ત્વો ઉકેલવા માટે કોઈ ઇતિહાસકાર, જાહેરસેવક કે સમાજશાસ્ત્રી ઉતર્યા નથી. રાજસત્તાની પાસે તો તાત્કાલિક જાહેર શાંતિને કાજે 'દમન' એજ એક તરણોપાય હતો. અને એ 'દમન' એટલે શું ? Call a man thief and he will steal : માતાના ઉદરમાથી જ મીયાણો ચોર ઠરી ચૂક્યો. એનું બાલક જન્મે છે તુર્ત જ કાયદો એને શકદાર ઠરાવી પરવાના-પત્રક પર ચડાવે છે, એટલે એ પણ પોતાને ચોર જ સરજાએલ માનતું થાય છે.

પરંતુ એ વાઘેરો, મેરો કે મીયાણાઓને મન ચોરીલૂંટ અંતરાત્માનો અંશ નહોતાં, ધર્મ નહોતાં, ઇશ્વરદત્ત વ્યવસાય નહોતો; પણ સ્વાર્થી મનુષ્યોએ પડાવેલી ટેવ હતી. 'મારતા મીંયાની તલવાર'વાળા યુગનો એ ચેપ હતો.

શિવાજીએ જેની સહાય થકી સામ્રાજ્યનું સ્વપ્ન ઉતાર્યું તે માવળાઓ: કોણ હતા એ? કેવા હતા ?

પ્રતાપ અને વનરાજે અરવલ્લી અને અણહિલપુરની અટવીઓમાંથી જેઓને એકઠા કરી ખોએલાં રાજ પાછાં મેળવ્યાં, તે ધનુર્ધારી ભીલો કોણ હતા ? કેવા હતા ?

યુગનાં આંદોલનો અડકશે તો એ વાઘેર, મેર ને મીયાણાની ખાનદાની પણ મહેકી ઉઠશે. ઝેરી વાયરા ઝંપી ગયા છે. પ્રજાત્વના વાયુ સંચાર ચાલ્યા છે. એના સ્પર્શે આ પતિત મનાએલી જાતિઓમાંથી કદાચ સિપાહીગીરીની ને પ્રેમશૌર્યની ફોરમો છૂટશે.

પરંતુ એ પ્રેમશૈાર્ય પ્રકટાવવા માટે સતત આકરા પ્રયત્નો જોશે.