પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બહારવટીયા : ૩
 

ઉપર કેમ જાણે કોઈ માનવી સૂતેલાં હોય, અને કેમ જાણે જરા જેટલા બોલાસથી પણ એની ઉંઘ ઉડી જાશે, એવી ચુપકીદી રાખીને એક અસ્વારે પલાણ છોડ્યું, અને બીજાની સામે પણ નાકે આંગળી મૂકી અબોલ રહેવાનો ઈસારો કર્યો. પગરખાં છેટે ઉતારીને બેય જુવાનો ડુંગર ઉપરના એ પહોળા ચોકની વચ્ચોવચ્ચ આવી ઉભા રહ્યા.

સાગ, સીસમ, દૂધલો, ધ્રામણ અને ખેરનાં ઝાડવાનાં અધસૂકેલાં ઠુંઠાં એ ચોકને કાંઠે કાંઠે છુટાં છવાયાં ઉભેલાં છે. વચ્ચેાવચ્ચ એક મોટું ને બળી ઝળી ગયા જેવું સાગનું ઝાડવું ઉભું છે. એ ઝાડના થડ ઉપર સીંદૂરનાં બે ત્રિશુળ કાઢેલાં છે. થડ પાસે બે પાવળીયા છે તેના ઉપર પણ સીંદૂરનાં એક્કેક ત્રિશુળ આલેખ્યાં છે. એ બે પાવળીયાની મોખરે, એક, બે, ત્રણ, ચાર, ને પાંચ લાંબી હાર્યોમાં એંસીક જેટલી ખાંભીઓ ખોડલી છે. પહેલી જ હાર્યમાં જમણા હાથ તરફની પહેલી બે ખાંભીઓ ઉપર બબ્બે ગોળ કુંડાળાં કંડારેલાં છે. (બાઈ માણસના બે થાનેલાની નિશાનીઓ લાગે છે.) બાકીની ખાંભીએામાં કશું જ કોતર કામ નથી. જમીનમાં ખોડેલા સાદા પથરા જ છે. માત્ર એને સીંદૂર ચડાવ્યો છે. જાણે કોઈ ધરતીકંપ થાતાં આખો ને આખો એક દાયરો ત્યાં બેઠો બેઠો ધરતીમાં સમાયો હોય એવો દેખાવ લાગે છે.

“ભાઈ ! હું ખાંભી જુવારી લઉં. તમે આ પાણકાના ઢગલા ઉપર બેસો.”

એટલું બોલીને બેમાંથી એક મોટી ઉમરના, ને મોટી મૂછોવાળા અસ્વારે એક ફુટેલા નાળીએરની રખડતી કાચલી ગોતી લીધી. અંદર દીવેલ પૂરીને વાટ્ય પલાળી. અને ખાંભીઓની ડાબી બાજુએ પાણકાઓની બનાવેલી આડશ વચ્ચે એનો દીવો પેટાવી, પાઘડીને છેડે અંતરવાશ (ગળાની આસપાસ) નાખી પાયલાગણ કર્યું. બીજી કાછલીમાં સીંદૂર પલાળીને એ ખાંભીઓ ઉપર લેપ કરવા લાગ્યો. કામ પૂરૂં કરીને જ્યારે એ ઉઠ્યો ત્યારે એની ચળકતી મોટી આંખોમાં બે આંસુડાં હતાં, પાઘડીને છેડે આંસુ