પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કનડાને રીસામણે
૧૧
 

માથા પરથી વીંખાઈને નીચે પડી ગઈ. પાઘ વીંખાતાં જ માથા ઉપરના પેનીઢક મોવાળાનો ચોટલો છૂટી ગયો. વિખરાએલી જટાએ ઘોડીને પણ ઢાંકી દીધી. ચંદ્રમાને વાદળીઓ વીંટે એમ કાળી લટોએ ભાણ મહીયાનું મોઢું છાઈ દીધું.

કૂવાને કાંઠે, ટીબકીઆળી ચુંદડીએ અને ભરત ભરેલે કપડે બે પનીઆરીઓ હેલ્ય ભરીને હાલું ! હાલું ! થાતી હતી તે આ દેખાવ દેખીને થંભી ગઈ. ભાણ મહીયાનો ચોટલો સંકેલાણો, પાઘ બંધાઈ ગઈ, ઘોડી પાદર વટાવી અણદીઠ થઈ, તો યે બેમાંથી એક પનીઆરી તો ખસતી જ નથી. એની આંખોની મીઠી મીઠી મીટ એ જ દિશામાં મંડાઈ ગઈ છે. માથે બેડું મેલ્યું છે તેનો ભાર પણ ભૂલાણો. જાણે જુવાનડી કાગાનીંદરમાં ઘેરાણી. અંતે બીજી પનીઆરીએ એને ઢંઢોળી :

"કાં બા ! હવે તો બેડાને ભારે માથાની ટાલ્ય બળે છે હો ! અને તમારે જો તમારી હેલ્ય પરબારી ત્યાં જ જઈને ઉતારવી હોય, તો પછી મને ઘર ભેળી થાવા દ્યો.”

તે વખતે તો પનીઆરી છાનીમાની ભોજાઈ ભેગી ચાલી ગઈ. પણ ઘેર ગયે એને જંપ ન વળ્યો. ભોજાઈનું મેણું માથામાં ખટકતું હતું અને નજરમાં રૂડો અસ્વાર રમતો હતો. હૈયું ક્યારનું એની પાછળ પંથ કરી રહ્યું હતું. ઘરમાંથી માણસો આઘાં પાછાં થયાં એટલે પોતે હેલ્ય લઈને ચાલી. પાદરને એ જ કુવેથી પાણી ભર્યું અને હેલ્ય માથે ઉપાડી કુવાડવા ગામને માર્ગે ચડી. ગામમાં જઈને ભાણ મહીયાની ડેલીએ ઉભી રહી. માથે હેલ્ય ને મોઢે મલીરનો ઘૂમટો : પગ ઉપર ઢળતી પડી છે રાતીચોળ જીમી : ભાણ મહીયો જોઈ રહ્યો. પાસવાનોને કહ્યું, “પૂછો, આ બાઈ કોણ છે ! અને શા કામે આવી છે?”

માણસો પૂછવા ગયા. ઘૂમટાવાળીએ કહેવરાવ્યું કે “ભાણ મહીયાને કહો, હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરી : મારું નામ રાણદે : કુળની લાજ મરજાદ મેલીને આવી છું. માટે