પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સોરઠી બહારવટીયા : ૩
 

આજ કાં તો મૂછોના વળ ઉતારી મૂછ નીચી કર, ને કાં તો આ હેલ્યને હાથ દે !”

ભાણ મહીયો ઘડીભર વિચારમાં પડી ગયો. આયરોનાં વેર માથે લઈ જીવવું વસમું હતું. પણ તેથી વસમું તે હતું મૂછ નીચી કરવાનું કામ. મહીયો થઈને મૂછનો વળ કેમ કરી ઉતારે ? ઉઠીને એણે આયર-કન્યાની હેલ્યે હાથ દીધો. રૂપાળી, રઢીયાળી અને શૂરવીરનું એાઢણું એાઢવા સગાં વ્હાલાંના વિજોગ સહેનારી રાણબાઈ ગઢમાં ચાલી ગઈ. શાં એનાં સોજાં શીળ ! એારડા ય હસી ઉઠ્યા.

બાઈના બાપ જીવા આયરને જાણ થઈ કે દીકરી મહીયા માથે મોહીને ગઈ. આયરનું ડીલ તપી હાલ્યું અને મહીયા ઉપર દળકટક હાંકવા મન કર્યું. મૂછો મરડીને આયર બોલ્યો કે “કુવાડવા ઉપર મીઠાનાં હળ જોડાવું તો હું આયર સાચો.”

“આપા જીવા ! “ ડાહ્યા ચારણો હતા તેણે શીખામણ દીધી: “એમ કાંઈ મહીયો ગાંજ્યો નહિ જાય. અને પછી દેખાશો ભુંડા. માટે હાથે કરીને માત્યમ ખોવા શીદ ચડો છો ?”

“પણ મહીયો શું એમ મારી દીકરીને રાખે ?”

“આપા ! દીકરી ગઈ છે તો મૂછાળાને ને ? કોઈ નમૂછીયા ઉપર તો નથી મોહી ને ?”

"ના."

“ત્યારે મહીયાને સગો બનાવી લોને ! અરે ભુંડા ! તારે તો ભડ વસીલો મળ્યો.”

એ રીતે રાણદે આઈનો વસ્તાર મહીયા અને આયરનાં મોંઘાં લોહીમેળથી શોભી ઉઠ્યો. રૂપ ને શુરાતન બેયનાં સરખાં પાણી મહીયાના વંશને ચડવા લાગ્યાં. એ રાણદે બાઈનો દેહ અમારા શેરગઢ ગામના ટીલાત અમરાભાઈના ગઢમાં જ પડ્યો હતો ભાઈ ! હજી જાણે ગઈ કાલની જ વાત.