પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કનડાને રીસામણે
૧૫
 

આવી પોગે. હું જાઉ છું. મારે આજ રાતોરાત જ આખી ચોવીસી ફરવી છે.”

“પણ ભાઈ, બારવટે ? કે રીસામણે?”

“રીસામણે. હથીઆર હોય તો પણ ઘેર મેલીને નીકળજો.”

એટલું કહીને સાંઢણી–સ્વાર ઉપડતે પગલે ચાલી નીકળ્યો.

અને પ્રાગડના દોરા ફુટતાંની વાર તો કનડાને માર્ગે ઘોડાં, સાંઢીયાં, ગાડાં અને પાળાએાની કતાર બંધાઈ ગઈ. ચોવીસ ગામમાંથી નવસો મહીયા કનડે રીસામણે મળ્યા. અમારા મુખીને એક જ બોલે અમે કટકા થઈ જનારા: અમે મહીયા તો અમારા સરદારના શબદ પર તોપે બંધાઈ જનારા: એક ઘર પણ પોતાનો જણ મોકલ્યા વિના ન રહ્યું.

“જ્યાં મોટો પુરૂષ ન હોય તેનું શું ?”

તો ઘરથી નાનો છોકરો આવે. તરસીંગડાવાળી બાઈઓએ ઘરમાં કોઈ પુરૂષ નહોતો તો દસ વરસનો દીકરો દઈ મેલ્યો'તો.

“એના ભેગી બે બેનો આવી હતી તે વાત સાચી ?”

એ વાતમાં મોટો ભેદ છે. હું હમણાં જ કહું છું. નવસો મહીયા કનડે બેઠા. એક દિવસ-બે દિવસ–ત્રણ દિવસ–એમ બેઠા જ રહ્યા. આસપાસ કાઠીનો મુલક: મધુવંતીને કાંઠે મેંદરડાનાં હાંડા જેવાં ગામડાં: વસ્તીને અમારી ભે તે બહુ લાગી કે મહીયા ક્યાંક લૂંટી ખાશે. પણ અમારા મુખી અમરાભાઈએ અમને કહી દીધું કે

“મહીયાના પેટનો હોય તે આંહી ભૂખ્યો મરી જાય, પણ લૂંટફાટ ન કરે.”

એટલો બોલ બસ હતો. અમારામાં યે ચોરી લૂંટ કરનારા હશે. અમારી મથરાવટી જ મેલી ગણાય. પણ કનડે તો અમે તપ તપવા મળ્યા'તા. ધણીની રામદુવાઈ લોપવામાં મહીયો મહા પાપ ગણતો'તો. અમે કનડા ઉપર પોષ મહિનાની ટાઢ્ય વેઠતા અને ગાંઠનું ખીચડું ખાતા બેઠા. મનમાં આશા હતી કે હમણાં