પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કનડાને રીસામણે
૧૭
 

ખેડવું છે. આજ ધણીની સામે કાંઈ ઘા હોય ? અને તું તો અમારે ગૌ સ્વરૂપ : તું ચારણ આડો ઉભો હો ત્યાં હત્યા ન હોય. ખુશીથી સરકારના સરદારો પધારે.”

“અને હથીઆર લેવાં હોત તે આંહી કનડે શીદ બેસત ? ગર ક્યાં છેટી છે ?” એક જુવાન કળકળ્યો; “શું કરીએ ભાઈ ! આજ અમારો મુખી અમને ભામણપણાનું ભણતર ભણાવે છે.”

“મહીયા જુવાનો !” ચારણે ખાત્રી દીધી, “હું તમને ઠાલો રૂડું મનવવા નથી આવ્યો. રાજના પેટમાં કૂડ નથી દેખાતું. તમારાં રીસામણાં રાજને ભારે પડે તેવાં છે. તમારે એક જ ડગલાવામાં ગર પડી છે, એટલે જ આજ રાજનાં મનામણાં આવે છે. આજની રાત જંપીને ઉંઘજો.”

મહિના મહિનાના ઉજાગરા હતા. ભૂખ, ટાઢ ને તડકા ઘણાં ઘણાં વેઠ્યા હતા. ઘરના વિજોગ, ગરાસની ચિંતા અને મરવું કે મારવું તે વાતના વિચારો થકી મહીયા થાક્યા હતા. આજ નવ સો યે જીવ જંપી ગયા. કાલ તો કનડેથી ઉતરીને ઘરને છાંયડે જાવું છે : એવી ધરપત થકી મીઠી નીંદરે આંખો મળી ગઈ. ઘસઘસાટ નીંદર : પણ ત્યાં તો સૂરજની કોર ફુટતાં અમને સૂતેલાને કોણે જગાડ્યા ! મનામણાને મીઠે બોલે નહિ, પણ બંદૂકને સણસણાટે ! આટલી સેના ક્યાંથી ઉમટી ? કનડો ક્યારે ઘેરી લીધો ? રાતમાં ને રાતમાં આ હજારૂં હથીઆરવાળા ક્યાંથી ઉતાર્યા ! સંધવાડનાં સાંતી ને કોસ છોડાવી છોડાવીને શું હજારુંને મોઢે સંધી ઉતાર્યો ? ઝબકેલા મહીયામાંથી કેટલાકને પોતાનો ધર્મ સૂઝ્યો તે સામી છાતી પાથરીને ઉભા રહ્યા, ને બીજા દૃશ્ય ભૂલીને ડુંગરેથી દોટ દેતા ઉતરી ગયા. એંશી ને ચાર ચોરાશી જવાંમર્દો એક બોલ પણ બોલ્યા વિના ઉભા રહ્યા. એના લાંબા લાંબા ચોટલા ઝાલીને એક હારમાં બેસાર્યા. પછી માથાં કાપ્યાં–તરવારે નહિ હો, કૂવાડે. એની આ ખાંભીયું ભાઈ ! એ ખાંભીયું અમારે પૂજ્યાનાં ઠેકાણાં. ચોરાસી જણાએ જીવ દઈ જાણ્યા.

“અને ઓલી બે બાઈઓની ખાંભીઓ વિષે શું?”