પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
સોરઠી બહારવટીયા : ૩
 


હા, લોકો બોલે છે કે તરસીંગડાવાળા બાળ મહીયાને સાચવવા બે બેનો આવેલી મહિના સુધી એ બે જુવાનડીઓ પોતાના બાળા ભાઈને વીંટીને બેસી રહી હતી. સાત ખોટનો એક જ કલૈયા કુંવર જેવો એ ભાઈ હતો. કતલ ચાલી તે ટાણે “અમારા ભાઈને મારશે મા ! ભલા થઈને મારશો મા ! એને સાટે અમને મારી નાખો !” એવી કાળી વરાસ્યો નાખતી એ બેનોએ પોતાના ભાઈની કતલ કરનારાની આડા દેહ દીધેલા. એટલે એને પણ કાપેલી. પણ વળી કોઈક આ વાતને ખોટી ઠરાવે છે. મુખીઓ કહે છે કે એક મહિના સુધી કોઈ બાઈ માણસ અમારા સંઘમાં નહોતું. મુખીનો હુકમ જ નહોતો. તેમ છતાં ફોજવાળા વાતો કરે છે કે “અમે જ્યારે કાપતા હતા, ત્યારે એક નાની કુંવારિકા એક રૂડા રૂપાળા બાળ મહીયાની આડાં અંગ દઈને ધા નાખતી હતી કે મારા ભાઈને મ મારો ! મારા વીરને મ મારો ! એને સાટે મને મારો ! એને પણ અમે તો મારેલી. પછી ગાડામાં નાખીને અમે સહુનાં માથાં લઈ જતા હતા, ત્યારે પણ એક ગાડે એક આંગડીઆળી કુંવારકાનું શબ સુતેલું દેખાતું હતું. દેહ પર જખમ નહોતો, રગતનો છાંટો નહોતો, પણ મરેલી પડી હતી. કોણ જાણે કેમ થયું, પણ જૂનાગઢ પહોંચતા પહેલાં એ શબ અલોપ થઈ ગયું....... વોંકળો વળોટ્યા પછી અમે એને દેખી જ નહિ.'

આમ ગીસ્તવાળા વાતો કરતા હતા.

“કોણ હશે એ કુંવારકા ?”

બીજી કોણ ? આઈ નાગબાઈ ! પાંચ મહીયા મરે ત્યાં આઈ પણ ભેળી મરે છે. વારે વારે મરે છે બાપ ! મરી ન જાણ્યો એક શામળો ભાઈ ચારણ.

“ખૂટામણ હશે ?”

ના, ના, ના, ના ! હોય નહિ. કહેનારની જીભ કપાય. ચારણ છેતરાઈ ગયેલો. એ સમજ્યો નહિ. દગાની રમત એના કળ્યામાં ન આવી. એટલે એણે જોયું ને અમે કપાણા.