પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સોરઠી બહારવટીયા : ૩
 

એ ગીગો ને ? કૈંક ગોરખધંધા કર્યા હતા એણે. પણ એ તો વ્હેલાંની–કનડાની કતલ પહેલાંની વાત. સંવત ૧૯૦૯માં ગીગો બારવટે નીકળ્યો, એનું બારવટું કોઈ રાજ ઉપર નહોતું. કટંબ-કળો હાલતો હતો એમાંથી ગીગાનું ગાંડપણ સળગી ઉઠ્યું, એ મૂળ વાતમાં તો કાંઈ માલ જ નહોતો. પણ અસલ વારાની ગાંડપ જ ગણાય. ગીગો મૂળ કણેરી ગામનો રહેવાશી : મકા શાખનો મહીયો : બાપનું નામ મૂળુ મકો : ગરાસને કારણે કાકાઓની સાથે અણબનાવ મંડાણો હતો. ચાર પિત્રાઈઓ એની સામી પાટીમાં હતા : એક નામેરી, બીજો કરણો, ત્રીજો રતો અને ચોથો અમરો : એમ ચાર કાકા : સહુનો ઉકરડો એક ઠેકાણે સૈયારો પડે, પણ એમાંથી ખાતર ભરી જાય ફક્ત કાકાના ખેડૂઓ. ગીગલે લીધો વાંધો. કહે કે ભાગે પડતું ભરવા દઉં. ત્યારે ચાર કાકા આડા ફરીને ઉભા રહ્યા અને અણછાજતું વેણ બોલી ગયા કે “જા જા હવે ભુંડણના ! તારાથી શું થાતું'તું ? ”

“ભુંડણનો કહ્યો ત્યાં ગંગાની ખોપરીમાં ખટાકો બોલી ગયો. જુવાન જોધ આદમી, કોઈનો ટુંકારો ખાધેલ નહિ, ઘણા દિવસની ઝીણી મોટી કનડગત હાલી આવે, એમાં આજ અઘટિત વેણ સાંભળ્યું. તે ટાણે ગીગો ઘૂંટડો ઉતારી તો ગયો, પણ એટલું કહી દીધું કે “કાકા, ભુંડણનો છું કે સિંહણનો, તે તો તમે હવે જોજો !”

ધાનનો કોળીઓ એને ઝેર થઈ ગયો. ઘરમાં કે ગામમાં ક્યાં યે જીવને ગોઠ્યું નહિ. પેાતાના ચાર ભાઈએાને લઈને ગીગો કુટુંબ માથે જ રીસામણે નીકળી ગયો.

કણેરીથી ઉગમણે પડખે થોડેક છેટ પ્રાંસળી નામે ગામડું છે. પિત્રાઈના સંતાપથી ગળે આવી રહેલ ગીગો પ્રાંસળીમાં એક દિવસ બપોરે મહેમાન થયો છે. ભાઈબંધોની પાસે કાકાઓની કનડગત ગાય છે. વાત કરતાં કરતાં એના મ્હોંમાંથી વચન નીકળી ગયું કે “હવે તે ગળોગળ આવી ગયો છું ભાઈ !”