પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૨૩
 


“ગીગા !” સંબંધીઓ એને ઠારે છે: “હોય, કટંબ હોય ત્યાં એમ જ ચાલે. ભેળાં પડેલાં ભાણાં કોઈક દિવસ ખડખડે ય ખરાં, પણ એ વાત ઉપર વેરનાં બી ન વવાય. આપણાં બળ જોર એમ ધૂડ જેવી વાતમાં ખોઈ બેસાય છે મારા બાપ?”

રોટલા ખાઈને હોકો પીતાં પીતાં જુવાન ગીગલો ઝોલે ગયો એટલે એના સોળે ભેરૂબંધો છાનામાના ત્યાંથી સરીને નીકળી ગયા. થોડી વારે ગીગો જાગ્યો. બે ઘડીની નીંદરમાં એના અંતરની આગ કાંઈક ઓછી થઈ ગઈ હતી. પણ જાગીને જોયું તો સોળમાંથી એકેય સંગાથી ન મળે. ગીગાને વહેમ આવી ગયો: “નક્કી મને કાળી ટીલી દેવા ગયા !” એમ બોલતો એ ઉઠ્યો. કણેરીને માર્ગે એણે દોટ દીધી. કણેરીનું પાદર થોડુંક છેટું રહ્યું ત્યાં ફડાફડી અને રીડીયા ચસ્કા સંભળાણા. સાંભળતાં જ ગીગાના પગ ભાંગી ગયા. મનમાં ભે પેસી ગઈ. પાદરે પહોંચીને જોયું તો ચાર કાકામાંથી રતા અને અમરાની બે લાશ પડી હતી. લોહીની ખાંદણ મચી હતી. અને ખૂન કરીને ભાઈઓ ઉભા હતા. ભાઈઓએ સાદ કર્યો કે “હાલ્ય ગીગા ! આનાં લોહી પીએ.”

“અરે બસ કરો, બાપ ! તમે ઢીમ ઢાળી દીધાં. આવડી ઉતાવળ ? મારો માનખ્યો બગાડી મૂક્યો !”

કાકાની લાશ ઉપર ગીગે પેાતાની પછેડી ઓઢાડી દીધી. અને પોતે પડખે બેસીને પોક મેલી રોયો. સાચે આંસુડે રોયો. પછી તો માથે બે ખૂન ચડ્યાં. ધોડવું'તું ને ઢાળ આવ્યો ! ખૂનને સાટે ફાંસીએ ચડવાનો કાયદો એ વખતનાં માણસોને ભાવે શેનો ? એટલે એણે પોતાના માણસોને કહ્યું :

"ભાઈ, આમે ય હવે મોત તો માથે ગાજી જ રહ્યું છે. તો પછી ડાહ્યા ડમરા થઇને કૂતરાને મોતે શીદ મરવું ? મલકમાં નામાં કામાં રહી જાય એ રીતે થોડીક મરદાઈ પણ ભજવી લેશું ને ?”