પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
સોરઠી બહારવટીયા : ૩
 

ણેરીને પાદર જેને પૂરો કર્યો એજ બાદશાહ જમાદારનો જુવાન દીકરો બીજી ગીસ્ત લઈને મહીયાવાડ ખુંદવા મંડ્યો અને શેરગઢ ગામને ચોરે બેસી બડાઈ હાંકવા લાગ્યો કે “અબે ગીગા ! ગીગા ! ક્યા કરતે હો ? ઓ તો બચાડી ગીગલી. નામ જ ગીગલી ! ઓ બચાડી ક્યા કરે ! એક વાર મેરેકુ મોકા મિલ જાય, તો મેં ગીગલીકું બતા દું.”

જમાદાર જ્યારે બોલવામાં હદ છાંડવા લાગ્યા ત્યારે એક ગામેતી ગરાસીઆથી ન સહેવાણું. એણે કહ્યું કે “તો પછી જમાદાર, આ પડ્યો ગીગલો છીંદરીની ઝાડીમાં. ક્યાં છેટું છે ? કરોને પારખું ?”

જમાદાર હતા ચડાઉ ધનેડું. ચડ્યા, જાણભેદુ હતા તેઓ એને જગ્યા ચીંધાડવા ચાલ્યા. છીંદરીની ઘાટી ઝાડીમાં એક બેખડની ઓથે ગીગો એની ટોળી સાથે બેઠેલો. ગીસ્તને ભાળતાં જ બારવટીયા ભેખડની પછવાડે બીજે ઠેકાણે ઓથ લઈ ગયા અને દુશ્મનને ભૂલથાપ દેવા માટે પેાતાની પાઘડીઓ ભેખડની ટોચે મૂકી. આંહી મકરાણી જમાદાર તો મોતીમાર હતો. એક વડલાની ઓથ લઈને થડની વચ્ચે થોડોક માર્ગ હતો ત્યાંથી ગેાળીઓ છોડવા લાગ્યો. પટોપટ ગોળીઓ પાઘડીઓને લાગતી ગઈ. ગીગાની આંખ બીજી જગ્યાએથી ઘણી ય ગોતે છે કે આ ગોળીઓ આવે છે કયાંથી ! પણ કોઈ બંદૂકદાર દેખાતો નથી. એમાં ગીગાએ વડલાની બે જાડી વડવાઈઓ એક બીજી સાથે અડોઅડ હતી તેની ચીરાડમાં કાંઈક હલચલ દીઠી. બરાબર ચીરાડમાં નોંધીને બંદૂક ચલાવી. પહેલે જ ભડાકે જમાદાર ઢળી પડ્યા.

જમાદારની મૈયતને ઉપાડી શેરગઢ લાવ્યા. હજી તો સવારે જે જમાદારે શેખી કરી હતી તેની જ આ મૈયત દેખીને મહીયા પેટ ભરી ભરીને હસ્યા.