પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સોરઠી બહારવટીયા : ૩
 

“આ લ્યો, ભાડું ચૂકતે લેતા જાવ. તમારાં છોકરાંને આજ વરસ દિવસને પરબે ખજુર ટોપરા વિના ન રખાય. અને કોઈ પૂછે તો કહેજો કે ગીગે હુતાશણી પ્રગટવા સાટુ ધાકડાં રોકી લીધાં છે.” પોતપોતાનું પૂરેપૂરું ભાડું લઈને ગાડાવાળાએ ગાડાં હાંક્યાં. ત્યાં તો ગીગાને કાંઈક સાંભર્યું. બૂમ પાડી, “એલા ભાઈ, આજ આંહી હોળી પરગટશું, રમશું ને ગાશું. રોકાઈ જાવને ?”

“બાપા, અમને માફ કરો. અમારે માથે માછલાં ધોવાશે.”

“હેઠ બીકણ ! ઠીક, મંડો ભાગવા. રસ્તે જે મળે એને કહેતા જાજો, કે પાણીધરાને સીમાડે ધાર માથે ગીગાએ આજ રાતે સહુને દુહા ગાવા ને ખજૂર ખાવા તેડાવ્યા છે. ગીસ્તું મને ગેાતતી હોય તો એને પણ કહેજો હો કે ?”

“પણ ગીગા મકા !” ભેરૂ બોલ્યા, “ખજૂર ટોપરાંનો બંદોબસ્ત કરવા પડશે ને ?”

“ભાઈ, આંહીં બેઠે જ એ બધું થઈ રહેશે. આંહીથી જ ખજૂરનાં વાડીયાં, તેલના કુડલા, ટોપરાના કોથળા વગેરે હોળીની સંધીય સામગ્રી નીકળશે. જોઇએ તેટલી ઉતરાવી લેજો. પણ ગાડાખેડુને ભાડાંની કોરીયું ચૂકવવાનું ભૂલશો નહિ. આજ મોટા તહેવારને દિવસ એનાં છોકરાંને હોળીના હારડા વગર ટળવળાવાય નહિ હો કે ?”

સાંજ પડી ત્યાં સડકને કાંઠે રૂનાં ધોકડાં, તેલના કૂડલા, ખજૂરનાં વાડીયાં, ટોપરાના વાટકાના કોથળા, શીંગોની ગુણ વગેરેના ગંજ ખડકાણા. અને રૂનાં ધોકડાંમાં તેલના કૂડલા મુકીને ગીગાએ હોળી ગોઠવી. આજુબાજુનાં ગામડાંમાં ખબર પડી હતી એટલે રાત પડ્યે લોકોનો પણ ઠીક ઠીક જમાવ થઈ ગયો. પૂનમને ચાંદે ગિરનારની ટુંકો વચ્ચેથી જેમ ઝળહળતી કો૨ કાઢી, તેમ આંહીં ગીગાધારે પણ હોળીની ઝાળ નીકળી. આસપાસના ગામડાંમાં છાણાંની હોળીઓના ભડકા દેખાતા હતા તેની વચ્ચે ગીગાની હોળીની ઝાળો