પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૩૧
 

ઈઢોણી ઉપર લઈ માથે ચડાવ્યાં તેમ સાસુની નજર પડી. સાસુની આંખ ફાટી ગઈ. પૂછ્યું,

“અરે વહુ, આ પીળી ધમરક થઈને ક્યાં હાલી ?"

“બીજે ક્યાં વળી ! ખેતરે ભાત દેવા.”

“અરે પણ અડબોત મારીને આ તારા લાડ ઉતારી લેશે, મેાટી સાહેબજાદી !”

“કોણ ઉતારતા'તા વળી ?”

“ઓલ્યો તારો બાપ !”

“પણ કોણ ?”

“ઓલ્યો બારવટીયો ગીગલો મૈયો. આંહી ગોધમાની ગાળીમાં વાટ જોઈને જ બેઠો હશે.”

“લ્યો રાખો રાખો બાઈજી ! તમે તો દેખી જ નથી શકતાં. તમારી આંખ્યુંમાં મૂઠી મરચાં ભરો, મરચાં : હું તો આ હાલી.”

આખાબોલી અને અબોધ કણબણ કાંબી કડલાં રણકાવતી અને ફરડ ! ફરડ ! લુગડાં ગજાવતી ચાલી નીકળી. વાંસે વૃદ્ધ સાસુએ એકલા એકલા આખું ગામ સાંભળે તેમ બડબડ બોલ્યા જ કર્યું. અને આંહી જ્યાં વહુ ગામ મેલીને છેટેરી નીકળી તેમ ગોધમે ડુંગરેથી તીણી આંખો ફેરવતા ચાડિકાએ બારવટીયાને કહ્યું કે “આપા ગીગા ! કોક ભતવારી જાય. જાડા જણનું ભાત લાગે છે.”

“હાં દોડો. ભાત લઈ લ્યો, અને ઘરેણું હોય તો એ પણ હાથ ખરચી સાટું ઠીક પડશે."

બિલ્લીપગા બહારવટીયા દોડીને બાઈ આડા ફરી વળ્યા. એને પડકારી : “ઉભી રે' એ બાઈ !”

બંદૂકવાળા બોકાનીદારોને ભાળી ભે ખાઈ કણબણ થંભી ગઈ.