પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૩૫
 

જોયું. બેઠી બેઠી બાઈઓ રૂવે છે. બે પટારા : તાજા આણાંના ઘરમાં આવ્યા હોય તેવા ચળકતા: પીતળને પતરે નકસી કરીને શણગારેલા : એવા બે પટારા ઓરડામાં માંડ્યા છે.

ચારણ્યો ઓરડે આવી, એટલે જાણે ઘરમાં દીવા થયા. ઘેરે અવાજે ચારણ્યે પૂછ્યું “તમારૂં જરજોખમ કયા ઓરડામાં છે બાઇયું ?”

“આ ઓરડામાં આઈ ! અમે હજી આણું વળીને બાપને ઘેરથી હાલી આવીએ છીએ. ને હમણાં અમારા અભરેભર્યા પટારા તૂટશે, આઈ !” જુવાન વહુએ ફાળે જાતી જાતી છાનું છાનું કહેવા લાગી.

“તમારા મરદો-તમારાં એાઢણાંના ધણી ક્યાં ?”

“ભાગી ગયા–બારવટીયાની ભેથી.”

“ભાગી ગયા ? તમને મેલીને ? જાતે કેવા ?”

“આયર.”

“હાય હાય જોગમાયા ! આયરોનું પાણી ગયું ?”

“આઈ ! તમે ઝટ નીકળી જાઓ.”

બેય ચારણ્યે એક બીજીની સામે જોયું. ફરી વાત કરી. અક્કેક પટારા ઉપર અક્કેક જણ ચડી બેઠી. કામળીઓ માથા પરથી ઉતારીને કેડ્યે વીંટી લીધી. મોવાળા મોકળા મેલ્યા. મ્હોં ઉપર લટો રમવા માંડી ને આંખની અંદર લાલપ ઘુંટાવા લાગી. મોટેરીએ આયરાણીઓને કહ્યું:

“બાઈયું ! બે મોટા ઉપરવટણા લાવજો તો !”

પાણા આવ્યા. દસ દસ શેરીઆ પત્થર હાથમાં લઈને બેય જણીઓ બેઠી. ત્યાં તો બોકાસો ઢૂકડો આવ્યો. બુકાનીદાર લુંટારા, ભેરવ જેવા ભયંકર, હાથમાં લાકડી, તલવારો ને ખભે બંદુકો લઈ ઓરડે આવ્યા. નજર કરતાં જ ઓઝપાયા. થંભીને ઉભા થઈ રહ્યા. એક બીજા સામે નજરો નોંધી. વેશ ઉપરથી વરતી