પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સોરઠી બહારવટીયા : ૩
 

ગયા. અણસાર પણ ઓળખાઈ. અંદરે અંદર વાતો કરી: “ચારણ્યું લાગે છે.”

“વાંધો નહિ. કહી જોઈએ. નીકર પછી એની પત્ય નહિ રાખીએ.” એક આદમીએ ચારણ્યોને વિનવી જોઈ:

“આઈયું ! અમે તમને પગે લાગીએ છીએ. હેઠાં ઉતરો.”

“બાપ !” ચારણી ઉંડે ગળે બોલી; “હેઠાં તો હવે આ ભવ ઉતરી રહ્યાં.”

“તો અમારે બાવડે ઝાલીને ઉતારવાં જોશે.”

“તો તો બાપ ! લોહીએ તુને અંધોળાવી જ દઈંએ ને !” એ વેણ જુવાનડીનાં હતાં. સાંભળીને લુંટારાનાં કઠોર હૈયાં પણ કાંપી ઉઠ્યાં.

“બોલાવો આપા ગીગાને.” એક જણે બીજાને કહ્યું.

ગીગો ગામમાં બીજે ઠેકાણે લૂંટતો હતો, ત્યાંથી આ ખબર સાંભળીને ઉપડતે પગલે આવી પહોંચ્યો. એણે ચંડી રૂપ ધરીને બેઠેલી બે ચારણ્યો દીઠી. એણે પાઘડીને છેડે અંતરવાશ નાખીને હાથ જોડી વિનવણી કરી કે “આઇયું ! દયા કરીને હેઠીયું ઉતરો. અમારે બહુ વપત્ય પડી છે. અમે બોડી બામણીને ખેતરે નથી આવ્યા. આ જ ખોરડાનો ધણી કુંભો વાઘ મને ન કહેવાનાં વેણ કહેવરાવતો હતા. અને આજ હું ઈ આયરૂંનાં પાણી માપવા આવ્યો છું. તમારે ને એને શા લેવા દેવા ? ગીગો તમારે ચરણે તમે કહો ઈ ધરે. હેઠાં ઉતરો.”

“વિસામા ! બાપ વિસામા !” ચારણીએ ઠપકામાં હેત ભેળવીને જવાબ દીધો, “વિસામા ! તું ગીગો આજ ઉઠીને અમને મોરાપાં ખાનારીયું માનછ ? અરે વિસામા ! આવડાં બધાં વેણ?"

“આઈ ! કોઈ રીતે ઉતરો ?”

“બાપ ! હવે તો અમે મરું તે કેડે !”

“પણ એવડું કારણ ?”