પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સોરઠી કથા વાતોના સાહિત્યમાં મને સહુથી પ્રથમ પ્રવેશ કરાવનાર વ્યક્તિ તે હડાળા દરબારશ્રી વાજસૂરવાળા છે. 'રસધાર'ના આરા પર એ માનવંત નામ પ્રથમથી જ અંક્તિ થઈ ચૂક્યું છે. પરંતુ તેમાં યે 'આ 'સંતો'ના પ્રદેશમાં મને તેડી જવાનો તેમનો ઉપકાર તો વિશિષ્ટ છે. એમના મધુર સહવાસથી જ આ બધો રસ લાગી શક્યો છે અને એમની ખંત થકી જ આમાંની ઘણી ઘણી સામગ્રીઓ એકઠી કરી શકાઈ છે. એમનો આભાર માનું તે એમના આત્મીય ભાવને મેં અપમાન્યો ગણાય. આ બધું સાહિત્ય લખવાની ઉમેદ તેમની જ હતી. પોતે પ્રવૃત્ત પણ થયા હતા. પરંતુ આખરે તો એમણે નિર્લેપ ભાવે મને જ પોતાની સેવાનું મધ્ય દ્વાર–Medium- બનવા દીધો છે. આ લખાવટ મારી પોતાની છે. લખીને હું એમની નજર તળેથી આ કથાઓને કઢાવી નથી શક્યો. એટલે ભાષા વગેરેના જે દોષો રહી ગયા હોય તેનો જુમ્મેદાર મને એકલાને જ સમજવો.

બીજો આભાર સૌરાષ્ટ્ર કાર્યાલયના સ્નેહભીના તંત્રી મંડળનો માનવો રહે છે. ભાઈશ્રી કકલભાઈ કોઠારી, ભાઈશંકર દ્વિવેદી તથા હરગોવિંદદાસ પંડિત મળીને ત્રણે બંધુઓએ પોતાની માહેતી, વિચારણા અને વિવેક દ્રષ્ટિ વડે મારા કાર્યમાં જે મીઠો સાદ પૂરાવ્યો છે, તેનાં મૂલ મારે મન એાછાં નથી.

સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર
ભાદરવા શુદ ૮
સં. ૧૯૮૪
}
સંપાદક