પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૬૯
 


“ભણેં બાપ વીસામણ ! આ પંડ્યે જ ગંગાજી : આ જગતની તરણ-તારણી : સંસાર એનાં નીરમાં ન્હાઇને પોતાના મેલના થરેથર એમાં પધરાવે છે. પણ એ મેલ ધોવા માતાજી પોતે તો બાપડી સંતુની જ પાસે આવે છે હો બાપ ! ઇ તરણ– તારણીનાં યે મળ કાઢવા માટે માનવીનું મનડું સમરથ છે. માટે ભાઇ ! સાચી ગંગા તો આપડાં ધરમ પૂન્યની: સાચી ગંગા આપણા દલની ચોક્ખાઈની: આપણાં પાપના પસ્તાવાની.”

“જાઓ માતાજી ! હવે પાછાં પધારો ! તમને મોટો પંથ પડ્યો આજ માવડી !”

એટલું બોલીને ભગત ગાયના ચરણમાં પડી ગયા. ભગતને શરીરે ધેનુ ચાટવા લાગી. ચાટીને પાછી ચાલી નીકળી.

વીસામણ તે દિવસ પૂરેપૂરો ચેત્યેા.

સંવત ૧૮૭૮ પોષ વદ ૧૧ ના રોજ પ્રભાતે આપાનો દેહ પડ્યો.

એણે કોઇને દીકરા દીધા, દરિયે ડુબતાં વ્હાણમાં અંતરિક્ષમાંથી ગાબડું પૂર્યું, મરેલાંને જીવતાં કર્યા, આડસર વધાર્યું, વગેરે કહેવાતા કેટલાએક પરચા વાટે એના જીવનની કશી વિશેષ ઉચ્ચતા દેખાતી નથી. તેથી એ વિસ્તારપૂર્વક લખ્યા નથી.