પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૭૧
 


વિચાર કરીને જસમતે ડોકું ધુણાવ્યું: “ વેલીયા ! બાપા, મારે ઘેરે તારો સમાવેા થાય એવું નથી. મારા વાટકડીના શીરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહિ ભરાય !”

જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન નહોતું. વેલીયા ઉપર એને વ્હાલ વછૂટ્યું. ધણીને કહેવા લાગી કે “કણબી ! ભલેને રહ્યો છોકરો. એ પણ પોતાનાં ભાગ્ય ભેળાં બાંધીને જ આવતો હશે. અને રોટલો તો એના સાટુ રામ ઉતારશે. બાળ્યકો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને છોરૂનાં દુઃખ વિસરશું.”

જસમત સમજતો કે કણબણ પોતાના કરતાં વધુ શાણી છે. કણબણને પોતે પોતાના ગરીબ ઘરની લખમી માનતો. એનું વેણ ન ઉથાપતો. તેથી વેલીયાને એણે રાખી લીધો. પૂછ્યું કે “એલા વેલીયા ! તારો મુસારો કેટલો માંડું, ભાઇ !”

“મુસારો તો તમને ઠીક પડે તે માંડજો આતા ! પણ મારે એક નીમ છે તે પાળવું જોશે.”

“શી બાબતનું નીમ ?”

“કે આ મારી માતાજી મને રોટલા ઘડી દેશે તો જ હું ખાઇશ. બીજા કોઇના હાથનું રાંધણું મારે ખપશે નહિ.”

સાંભળીને કણબણને એના પર બેવડું હેત ઉપજવા લાગ્યું. કરાર કબુલ થયા.

વળતે જ દિવસે જસમતના ઘરમાં રામરિદ્ધિ વર્તાવા લાગી. કોળીના દીકરાને પગલે કોઠીમાં સેં પુરાણી. ગામના દરબારે જસમતને ઢાંઢાની નવી જોડ્ય, સાંતી, અને એક સાંતીની નવી જમીન ખેડવા દીધાં. પટેલ અને એનો બાળુડો સાથી બીજે દિવસ જ્યારે બે સાંતી હાંકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ એ જોડલીને જોઇ રહ્યા.

આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે, તો પણ આતાના અને માડીના પગ ચાંપ્યા વગર સૂતો નથી. જસમતની