પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સોરઠી સંતો
 


તો ઉપાધિ માત્ર ચાલી ગઇ છે. એાછાબોલો અને ગરવો કોળીપૂત્ર જોત જોતામાં તો જસમતને પડખે જુવાન દીકરા જેવડો થઇ ગયો છે.

પટલાણી માને પણ વાંઝીઆ મેણાં ભાંગ્યાં. એને એક પછી એક સાત દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાનાં મંગળ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યાં છે. પેટના સાત સાત દીકરા છતાં પણ વેલા ઉપરનું હેત ઓછું નથી થયું.

એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ આવીને એની આંખો માડીને જ ગોતવા લાગી. પણ ડોશીમા આજે ઘરમાં દેખાતાં નથી. વણ બોલ્યો પણ વેલો માડીને શોધી રહ્યો છે. વાળુ વેળા થઇ ગઇ છે. છોકરાઓએ કહ્યું “ વેલાભાઇ, હાલ્ય, રોટલા પીરસ્યા છે.”

“માડી ક્યાં ગયાં ?”

“માડી તો બહાર ગયાં છે. હાલો ખાઇ લઇએ.”

“ના, હું તો માડી આવીને ખવરાવશે તો જ ખાઇશ.”

વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પછી પટેલથી ન રહેવાયું: “માડી માડી કર મા ! ને છાનો માનો ખાઇ લે બાપ ! જો આ રહી તારી માડી !”

એમ કહી, કાંડું ઝાલી, વેલાને બીજા ઓરડામાં લઇ જઇ ડોશીનું મુડદું બતાવ્યું.

“જો આ ખાલી ખોળીયું પડ્યું છે. સવારે એને ફૂંકી દેશું. હવે એમાં તારી માડી ન મળે.”

“માડીને શું થયું ?”

“છાણના માઢવામાંથી સરપ ડસ્યો.”

“ના ના, મને જમાડ્યા વિના માડી જાય નહિ. મારૂં નીમ ભંગાવે નહિ.”