પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૭૯
 

પાછા આવ્યા. પરબારે રામ પૂંજા ભગત ભેળો ખડખડ પહોંચ્યો. વેલા બાવાને ચરણે હાથ દીધા.

સાદી સીધી વાણીમાં વેલા બાવાએ એક જ વાત સમજાવી કે “ભાઈ ! હિંસા કરીશ મા ! પ્રભુ જેવો વસીલો મેલીને લોહીના રંગાડા પીનારી દેવીઓના આશરા હવે ગોતીશ મા.”


જ પાણીની હેલ્ય ભરીને આવતાં જ રામની વહુએ વાત કરી કે “પાદરમાં જ નદીને સામે કાંઠે એક રોઝડું ચરે છે. પણ અરધું ગામ ધરાય અને પંદર રૂપીઆ ચામડાના ઉપજે એવું જબ્બર ડીલ છે, કોળી ! ઝટ બંદૂક લઈને પોગી જા !”

“ના ના ! મારાથી હવે બંદૂક ન લેવાય. હું ગરૂજી બાપુને બોલે બંધાણો છું.”

“અરે પીટ્યા ! ખાંટ છે ? કે વાણીયો બામણ છો ? આંહી કયાં તારા ગુરૂ જોવા આવતાતા ?”

રામ ન માન્યા. ગામ આખું એને ઘેર હલક્યું: “એ રામડા ! એક વાર બંદૂક ઉપાડ. ફરી નહિ કહીએ. અને તારા ગુરૂને કોઇ વાત નહિ પોગાડે. અને તું રોઝડું તો જો ! નજરમાં સમાતું નથી.”

રામના અંતર ઉપર હજી પૂણ્યનો પાકો રંગ નહોતો ચડ્યો પાપમાં મન લપટી પડ્યું. બંદૂક ઉપાડી. પાદર જઇને જુવે ત્યાં તો સામે જ મોટી કોઈ દેસાણ ગાય જેવડું રોઝડું ચરે છે. નિરખીને રામના મ્હોંમાં પાણી આવ્યું.

રામડો તો મોતીમાર હતો. એનું નિશાન કોઈ દિવસ ખાલી નહોતું ગયું. એવા ઉડતાં પંખીડાં પાડનારને આ રોઝ બાપડું શી વિસાતમાં હતું !