પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
સોરઠી સંતો
 


એક ગોળી છૂટીઃ રોઝને ચેાંટી. પણ એ તો જરાક ઠેકીને વળી ચરવા માંડ્યું.

બીજી ગોળી છૂટીઃ ચોંટીઃ પણ રોઝ નથી પડતું, ઠેકીને પાછું ચરે છે.

ત્રીજી : ચેાથી : પાંચમી : એમ નવ ચોંટાડી. રોઝ ન પડ્યું. દિવસ આથમી ગયો. અંધારૂં થઇ ગયું. ઘવાએલ રોઝને કાલે સવારમાં જ ખેાળી કાઢશું, એમ ધારી સહુ ઘેર ગયા. રામ ડેલીએ જાય ત્યાં ખેપીએા આવીને વાટ જોતો બેઠો છે.

“રામભાઇ ! ગરૂજી બાપુ તેડાવે છે.”

“કાં ? કેમ ઓચીંતા ?”

“પંડે પથારીવશ છે. કહ્યું છે કે પાણી પીવા યે રામ ન રોકાય.”

બંદૂક હાથમાં જ રહી ગઇ. ઘેર મોકલી દેવાનું ઓસાણ ન ચડ્યું. દોટ દેતો રામ ગુરૂજીની પીડાથી ચિંતાતૂર બની પળાંસવે. આવ્યો. પૂછવા મંડ્યો:

“કેમ બાપુ ! એાચીંતા પડદે પડવું થયું ?”

“રામ ! અજાણ્યા બનીને પૂછછ ભાઇ ? નીમ તોડીને નિરપરાધી કાયા ઉપર નવ નવ ગાળીયું ચોડી ભાઇ ? અરેરે તને દયા ન આવી ? આમ તો જો ! આ મારા અંગે અંગે ફાંકાં !”

રામે બાવાજીનું શરીર વીંધાયલું દીઠું. નવ ઠેકાણેથી રૂધિર ચાલ્યાં જાય છે.

“અને ભાઇ, લે આ તારી નવે નવ ગોળીઓ.”

ગુરૂએ રામની જ બંદૂકની નવે ગોળીઓ ગણીને હાથમાં દીધી.

“બાપુ ! તમે હતા ?” ચેાંકીને રામે પૂછ્યું.

“બાપ ! હું નહિ, પણ મારા, તારા અને તમામના ઘટઘટમાં જે રમી રહ્યો છે એ ઠાકર હતા. અરેરે રામ ! વિચારી તો જો ! તેં કેને વીંધી નાખ્યો ? ચામડામાં તારૂં મન લોભાણું ?