પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૮૧
 


સન્મુખ છીપર પડી હતી. બંદૂકને તે પર પછાડી રામડે કટકા કર્યા. વેલાના પગ ઝાલીને બેસી ગયો. નેત્રમાંથી નીરની ધારા મંડાઈ ગઈ. ગળું રૂંધાઈ ગયું. શું બોલે ? શબ્દ નીકળે તેમ નહોતું રહ્યું.

રામ ! હવે ઘેરે જા !”

“ઘર તો મારે આ ધરતી માથે નથી રહ્યું બાપુ !”

“અરે જાછ કે નહિ કોળા ? વયો જા, નીકર ચામડું ફાડી નાખીશ.” ગુરૂએ આંખો રાતી કરી.

“નહિ જાઉં, નહિ જ જઉં. ”

“નહિ જા એમ ? એલા શકરગર ! તલવારથી એના કટકા કરીને ભોંમાં ભંડારી દે એ પાપીઆને. તે વિના એ આંહીંથી નહિ ખસે.”

રામડે ગરદન નમાવી.

“ઠીક, શંકરગર ! હમણાં ખમ, એને આપણાં ગોળાનાં પાણી ભરી લેવા દે, પછી એના રાઈ રાઈ જેવડા ટુકડા કરીને આંહી જ દાટી દઈએ.”

ગુરૂએ પાણી ભરવાને બહાને રામડાને રફૂચક થઈ જવાનો સમય દીધો. એણે માન્યું કે મોતના ડર થકી રામ નાસી છૂટશે. પણ રૂંવે રૂંવે રંગાઈ ગયેલા રામને હવે મોતની બ્હીક ક્યાં રહી હતી ! ઠંડે કલેજે પાણી સીંચીને એણે ગોળા ભર્યા. ભરીને ગુરૂની સન્મુખ આવી મોતની વાટ જોતો બેઠો.

છેલ્લી વાર ગુરુએ ત્રાડ પાડી “ જાછ કે નહિ ?”

“ના બાપુ ! "