પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૯૩
 

[૧]હો....ગનાનની ગોળી ને
પરમનો રવાયો રે
મેરૂનો રવાયો રે
નખ શિખ નેતરાં લઉં તાણી - અમસું૦

હો....વેલનાથ ચરણે
બેાલ્યાં રે જસો મા
બોલ્યાં રે જસો મા
અખંડ ચૂડો મારે વેલનાથ ધણી - અમસું૦

આખરે શિલા ફરી વાર ઉધડી. અને સતી અંદર સમાણાં.

રાત પડી: અધરાત ભાંગી: કહે છે કે વેલનાથ બહાર નીકળ્યા. સન્મુખ જ ભૈરવ–જપનું આભ-અડતું સીધું કાળું શિખર ઉભું હતું. એથી યે ઉપર ગેબમાં તારલા ટમટમતા હતા. જાણે અમરધામના દીવડા દેખાતા હતા.

એ સીધા શિખર પર બાવોજી એમ ને એમ ચડ્યા. ભાંગતી કાળીઘોર અબોલ રાતે ખડાંગ ! ખડાંગ ! ખડાંગ ! એમ બાવાજીની ખડાઓ (ચાખડીઓ) બોલતી ગઇ, અને ચીકણા ગારામાં પગલાં પડે તેમ એ કાળમીંઢ પત્થરમાં ખડાઓનાં પગલાં પડતાં ગયાં. આવી લોક–કલ્પના છે.

જોગીરાજ ભેરવનાં ટુંક ઉપર દરશાણો: કેવો દરશાણો ? જાણે એનાં પગલાંના ભારથી ગિરનાર કડાકા લેવા લાગ્યો: કવિ કહે કે “એ અબધૂત ! ધીરે ધીરે પગલાં માંડ. નહિ તો ગરવો [ગિરનાર] ખડેડી પડશે :

વેલા બાવા તું હળવો હળવો હાલ્ય જો !
ગરવાને માથે રે રૂખડીઓ ઝળુંબીયો.

.


  1. *જ્ઞાનની