પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨.

ભરતખંડના ખુણે ખુણેથી સંતો પધાર્યા. ગિરનાર એટલે ગુરૂ દત્તની નવ નાથ અને ચોરાસી સિદ્ધોવાળી તપસ્વી-સેનાનું બેસણું: અરધ ગુપ્ત અને અરધ પ્રગટ એવું એક તપોવન: પહાડનો પોતાનો જ દેખાવ કોઈ પલાંઠી વાળી યોગાસને બેઠેલા ત્રિકાલાતિત યોગી જેવો : પાષાણ પાણી અને વનસ્પતિના ત્રિગુણ પ્રભાવ તે ગરવા ગિરનારના : જૈન તીર્થંકર નેમીનાથ, હિન્દુ દેવતા દત્ત ગુરૂ, મુસ્લીમ એાલીઆ જમીયલશા અને શક્તિ જોગણી અંબાજી: એવાં સર્વેનું એ સૈયારું સંગમ-તીર્થ: એની સર્વદેશીય અસર સારા યે ભરતખંડ પર ગરવા ગિરનારે છાંટી.

સૈારાષ્ટ્રના આથમણા મહાસાગરને કિનારે સોમૈયાજી સ્થપાયા. કૃષ્ણચંદ્રના ઉતારા પણ સાગર-તીરે મંડાયા. એ બન્ને તીર્થોએ દીધું દરિયાઈ વાતાવરણ. અને આ ભરતખંડમાં વિરલ એવી સૂર્યદેવની તીર્થ–સ્થાપના પણ સોરઠને પાંચાળ–પ્રાંતે 'સૂરજ દેવળ' નામે પ્રખ્યાત થઈ. કોઈને ન નમનાર એવા કાઠી-કુલે ત્યાં જઈ એ આકાશી દેવની સન્મુખ શિર નમાવ્યાં.

લોભાઈ લોભાઈને દૂરદેશવાસી ભક્તજનો સોરઠમાં ઉતર્યા ? ને એણે પર્યટનને માર્ગ સમુદ્રના કિનારે કિનારે લીધો. આપણે ઉગમણે કિનારે જોતા જાઓ : ત્યાં યાત્રિકોની કેડી પડી છે: તળાજા, કોળીઆક, ખારી મીઠી વીરડી, ગોપનાથ, પીપાવાવ, મૂળ દ્વારકા, ઉપરગાળે આવેલાં ગુપ્ત-પ્રયાગ, તુલસીશ્યામ, પ્રભાસ- પાટણ, સુદામાપૂરી અને ત્યાંથી દ્વારામતી : એ મહાયાન પર તીર્થગામીએાનો સંઘ કૈં સેંકડાથી ચાલ્યો જ આવે છે. ભક્ત પીપાજી, રહીદાસ, તુળસીશ્યામના દૂધાધારી સ્થાપક વગેરે ઘણા ઘણા ત્યાં થઈને આવ્યા ને માર્ગે જ્યાં જ્યાં મન ઠર્યા ત્યાં ત્યાં ધર્મશાળા, સદાવ્રતો કે ગૌશાળાનાં તોરણ બાંધતા ગયા. અનેક ખાખી બાવાએાનાં બેસણા પણ એ જ રીતે આંહી બંધાયાં. શ્રીમત્ વલ્લભાચાર્યના દેશ-પર્યટન દરમ્યાન પાવન થયેલી ગણાતી ચોરાસી બેઠકો પૈકી એક સામટી આઠેક બેઠક તો આંહી સૌરાષ્ટ્રમાં જ ગણાવાય છે.