પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ગૌ–સેવા

'કામધેનુઓની ટેલ' એ પ્રત્યેક સંતને દેવામાં આવતો ગુરૂમંત્ર હતો. નાનપણથી જ 'વાછરૂ પારવું' ને ઘેાળો ચારવા લઈ જવા આપવામાં આવતી 'લાકડી' એ સંતના ધર્મદંડ સમી લેખાતી. ગાયોનાં છાણ વાસીદાં ઉપાડવાનો સૂંડો એની દીક્ષાના પ્રથમ પ્રભાતથી જ એનો સંગાથી બનતો. જાદરા, દાના અને ગીગા કે વીસામણ જેવા દરેક સિદ્ધિવંત ગણાતા સ્થાપકનો જીવન-પ્રારંભ ગાયોની જ ચાકરીથી થયેલો. દિવસ અને રાત્રિ ગાયોનાં જ ચરણો, જળાશયો વગેરેની ચિંતા એ લોકોને બાલ્યાવસ્થાથી જ ચોંટાડવામાં આવતી. એ ગૌસેવા જ તેઓની ત્યાગ વૈરાગ્યની કસોટી ગણાતી. ગીગા જેવા ભક્તનું જીવન એ તા'માં તવાઈને જ શુદ્ધ કુંદન બન્યું હતું. અને તેઓનો ગાયો પ્રત્યેનો પ્રેમ કેટલી કોટિએ પહોંચ્યો હશે તેના દૃષ્ટાંત રૂપે આપણે ગોરખા ભગતના જીવનમાં વાંચીએ છીએ કે જ્યારે મોરબીના દરબારી માણસો પાંચાળમાંથી એની જગ્યાની ગાયો લુંટી ગયાં, ત્યારે ગોરખાએ કહ્યું કે “ભાઈ, વાંસે વાછરૂ સોત દઈ મેલો: નીકર બાપડી કામધેનુ દૂવાશે !”

અન્ન-દાન.

ગૌસેવા જેટલું જ તીવ્ર લાગણીભર્યું કર્તવ્ય તે સદાવ્રતો તેમજ રાંધ્યું ધાન આપવાનું હતું. પોતાને આંગણે આવેલા હરકોઇ ક્ષુધાતૂરોને આહાર દેવો એ સર્વ ધર્મથી પરમ ધરમ ગણાતો. જગ્યાઓના આદ્ય સંસ્થાપકો પ્રથમ તો ઝોળી લઇને રોટલાના ટુકડા માગવા નીકળી પડતા. એમ કરતાં કરતાં તેએાને આંગણે અનાજનાં ગાડાંની ભેટો આવવા લાગતી, પછી વસ્તી પોતાના શિર પર લાગા નાખીને દાણા પૂરા પાડતી અને પછી ધીરે ધીરે જગ્યાએાને જમીનો પણ અર્પણ થતી ગઈ. આ બધી આવકને ભક્ત રાંધ્યા ધાન રૂપે ખેરાતમાં દઇ દેતો. પોતે ભૂખ્યાંને રામરોટી આપે છે એ એને માટે આત્મ-સંતોષ હતો. એ આપવામાં લાયક નાલાયક ન જોવાતાં. અન્નદાનમાં ભેદબુદ્ધિ નહોતી રખાતી. કતીકડા જેવા પ્રમાદી બાવાઓ, નિરધાર ઘરડાં લૂલાં