પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તમન્ના રાખ્યા વિના એ અબળાને ઉગારી, આશરો દીધો, ગર્ભ-પાલન કર્યું, સુવાવડ કરી, ગીગલા બેટાને રમાડ્યો અને છેવટે સંત પદ દીધું. પોતે એ ગધઈ માતાની રાંધેલી રસોઇ એના સાથે એક જ થાળીમાં બેસીને જમ્યા.

એવી જ રીતે આપા દાનાએ ન્યાતની નિર્દય રૂઢીચૂસ્તતા સામે ઉગ્ર લડત કરી બે રાજગર બાળકોને ન્યાતમાં લેવરાવ્યા. વટાળના સાંકડા વિચારો એનાથી સહન ન કરી શકાયા. આ રીતે તેઓ દુનિયાની અંદર રહ્યા રહ્યા પણ દુન્યવી સમાજના સાંકડાપણાની સામે ઉઠેલા હતા.

ત્રીજું : સૌરાષ્ટ્રની ઉતરતી જાતિઓમાં દેવી–પૂજાની ઓથે જીવ હિંસા પ્રચલિત હતી. અને કાઠી રજપૂત જેવી જાતિઓમાં માંસાહાર, સૂરા-પાન વગેરેનું જોર હતું. એ મેલાં દેવ-દેવીની પૂજા ત્યજાવી પ્રભુભક્તિ અને સદાચરણ પર ઘણા મોટા સમૂહને લઇ જનાર પણ આ સંત વર્ગ જ હતો. જીવહિંસાનું જોર તેઓએ ઘણે મોટે અંશે તોડ્યું હતું. પશુઓનાં બલિદાન, ભૂવાનાં ધૂણવાં, દોરા ને ધાગા, વગેરે વહેમો ટાળી 'ઠાકર' અને 'દયાદાન' પર પ્રીતિ નીપજાવવાનો તેઓનો પ્રયત્ન હતો.

ચેાથું : મોટાં મોટાં મંદિરો ચણાવી, દિવસ રાત પત્થરની પ્રતિમાઓને સાજ શણગાર કરાવવા : દિનમાં આઠ વાર આરતી, શયન કે ઉત્થાનનાં દર્શન કરાવવાં : અન્નકુટ પૂરવા : પ્રતિમાઓનાં વસ્ત્રાભૂષણ પર દ્રવ્યની છોળો ઉરાડવીઃ એ બધા બાહ્ય આચાર આ વર્ગમાં બહુ ભાગે નજીવા જ જોવામાં આવે છે. તેમ સામાન્ય રીતે પોતાની નિરક્ષરતાને કાણે, તેમજ કર્મમાર્ગી જીવનનાં રોકાણોને પરિણામે, શાસ્ત્રાભ્યાસ, પુરાણ કથાનાં કથન વગેરે તો ભાગ્યે જ તેઓનાં વૃત્તાંતોમાંથી નીકળે છે. જે કાંઇ વાણી હતી તે અનુભવની, નિરીક્ષણની અને વહેવારની જ હતી; ધર્મના અવગાહનની નહોતી. ઉલટું વિદ્યાભ્યાસ તેમજ વિધિ ક્રિયાકાંડ સામે તો તેઓના ભજન-સાહિત્યમાં ઘણા ઉગ્ર કટાક્ષો ઠેર ઠેર નજરે પડે છે : સ્થૂલ ધર્મવહેવારને તેઓ ઘણી વાર