પૃષ્ઠ:Sorathi Santo.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨

અને અનર્થકારી અંગ ઉપર આવીએ છીએ, એ અંગ છે પરચાનું–ચમત્કારોનું. ચમત્કારોના થર કેવળ સોરઠી સંતોના જ નહિ, પણ દુનિયાના લગભગ તમામ પ્રદેશના પુરાતન સંતોની તવારીખ પર બાઝેલા જોવાય છે, ખુદ ઈસુખ્રીસ્તથી માંડી, અથવા તેની યે પૂર્વના યહુદી સંતોથી આરંભી, ખ્રીસ્ત ધર્મના અનેકાનેક ઓલીઆઓ – કે જેને saints કહેવામાં આવે છે તેઓના ચમત્કારો સુવિખ્યાત છે. ઇસ્લામના ઓલીયાઓનાં ચારિત્રોમાં પણ ' કરામતો 'ની બાજુ હાસ્યજનક હદ લગી ગયેલી વર્ણવાય છે. દક્ષિણ હિન્દના તામિલ તેમજ મહારાષ્ટ્રી સંતોના ચમત્કારો પુસ્તકોમાં સંઘરાયા છે. આપણે ઘર આંગણે મીરાનું વિષપાન, પ્રભુ-પ્રતિમા સાથે મીરાંની પ્રેમષ્ટિઓ, નરસિંહ મહેતાની હુંડીનો શામળા ગિરધારીએ કરેલો સીકાર, કુંવરબાઇનું મામેરૂં પૂર્યાની, કારાગૃહમાં રત્નહાર પહોંચાડ્યાની, મલ્લાર રાગિણીના જોરે મેઘ વરસાવ્યાની વગેરે વાતો આવે છે, ને સાહિત્યમાં એ બધી હકીકતો સત્ય જેવી બની વણાઈ ગઈ છે. એ જ રીતે આ સોરઠી સંતોના પહેલા જ પાના પરથી પરચાની શરૂઆત થાય છે અને તે છેલ્લે સુધી આવ્યા જ કરે છે.

આ ચમત્કારો ને પરચાઓ શું છે ? એ કેવળ નિર્મલ છે ? મેલી જાદુગરી છે? નજરબંદી છે ? કે શુદ્ધ સત્ય વસ્તુસ્થિતિ છે ? વાદળીના ધોધમાર વર્ષણ વચ્ચે કોરાં નળીઅાં રાખી દેવાં, મરેલાને પાછા પ્રાણ આપવા, એક નિ:શ્વાસ અથવા શાપ વડે લીલાને સૂકાં કરી દેવાં, જળાશયનાં નીરમાં અદલાબદલી આણવી, દાતણની ચીર વાવી વડલો ઉગાડવો અથવા પીપળાની ડાળી કુદરતી રીતે ન કોળે છતાં તેને કોળાવવી, સૂકી ધરતીનાં પડોમાંથી પાણી ખેંચી પીયાવા રચવા, પશુને વાગેલી ગોળીનાં વીંધ પોતાના દેહમાં અનુભવવાં, એ સર્વ સૃષ્ટિમાં શો ભેદ સમાયલો છે ?

એનો ભેદ પામવાના પ્રયાસો આ યુગે - વિજ્ઞાનનાં નક્કર સત્યો પર પોતાના પાયા ચણીને બુદ્ધિનું શુદ્ધ આરાધન કરનાર આ યુગે પણ કરી જોયા છે. આ મહાયુગની સત્યશોધક વૃત્તિએ કોઈ પણ વસ્તુને કોઈના ભરોસા પર ન સ્વીકારતાં, પરંપરાની પૂજનીયતાને