પૃષ્ઠ:Sorathi Santo.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩

ઠોકરે વધાવી, દરેક સત્યને પોતાની બુદ્ધિ-તુલાએ ચડાવી જોખી જોયું છે, અને એ તુલામાં બેસીને જોખાવાની ના પાડનાર ચાહે તેવી પ્રતિષ્ઠાવંત વસ્તુને પણ ફગાવી દીધી છે. પરંતુ પ્રત્યેક માન્યતા અથવા વસ્તુની આવી ઉગ્ર હાજરી લેવાના હકદાર આ મહાયુગે સાથેસાથ પોતાની ચકાસણીનાં સાધનો પણ બની શક્યાં તેટલાં સૂક્ષ્મ, પારગામી ને બહોળાં વસાવ્યાં છે. એણે પોતાની કોઈ શેાધને કે પોતાના કોઈ પણ નિર્ણયને છેલ્લા નથી માની લીધાં. આ પંચમહાભૂતોના કેવળ સ્થૂલ સ્વરૂપ સુધી જ પોતાની દૃષ્ટિમર્યાદા ન માનતાં એણે તો અણદીઠ, અગોચર, ગેબી લેખાતી દુનિયાનાં દ્વાર પણ ખખડાવ્યાં છે, ને ક્લેરવાયન્સ, ઑકલ્ટીઝમ, મેસ્મેરીઝમ વગેરે ચાવીઓ શોધી કાઢી એ ગેબનાં તાળાં ઉઘાડવા મથ્યું છે. એ શેાધકો શ્રદ્ધાળુ ધર્મિષ્ઠો નથી, પણ કડક કઠોર વૈજ્ઞાનિકો છે. એ આર્યાવર્ત જેવા પ્રભુધેલડા ને ધર્મઘેલડા દેશનાં નિવાસીઓ નથી પણ પશ્ચિમના બુદ્ધિપ્રધાન જડવાદમાં જન્મેલા, ઉછરેલા, નિર્દય સત્યશોધકો છે ને તેવાઓની શોધકતા આસ્તે આસ્તે પોકારે છે કે આ પંચમહાભૂતનું પૂતળું જે માનવ–શરીર તેને અને બાહેરની પ્રચંડ પંચભૂત-સૃષ્ટિને ઘાટો સંબંધ છે. માનવ-દેહમાં રમતી માનસિક ને આત્મિક શક્તિઓ એ પંચ- મહાભૂતની રચના પર અદૃશ્ય કાબુ મેળવીને પોતાની ઇચ્છા અનુસાર એની ધડભાંજ કરી શકે છે. superhuman અથવા supernatural એવી એ સિદ્ધિ નથી. એ કોઈ આકાશવાસી ઈષ્ટદેવના આરાધન વડે સાંપડેલી જડીબુટ્ટી અથવા મંત્રસિદ્ધિ નથી. પરંતુ સારા ને નરસા સહુ માણસોની આંતરિક ઇચ્છા- કેળવવાથી, સાંકળવાથી, કુદરતના ગુપ્ત નિયમોનું જ્ઞાન પામવાથી અટલ પરિણામ તરીકે પ્રાપ્ત થતી સિદ્ધિ છે – વૈજ્ઞાનિક સિદ્ધિના જેવી જ એ સિદ્ધિ છે ! વીજળી, વરાળ, પાણી, વાયુ, અગ્નિ, વગેરે પર વિજ્ઞાનના જાણભેદુએ જે કબ્જો મેળવી કાઢ્યો, તે જ પ્રકારના કબ્જાની આ બધી માનસિક સિદ્ધિઓ છે. તફાવત માત્ર એટલો જ છે કે વિજ્ઞાનવીરોએ પોતાના પરિમિત વિજ્ઞાનના નિયમોને રીતસર ગોઠવી સર્વગમ્ય ને સર્વસુલભ બનાવી લીધાં,