પૃષ્ઠ:Sorathi Santo.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪

જ્યારે આ ગેબી વિજ્ઞાનને એવા બંધારણપૂર્વકના નિયમ પર ગોઠવવાનું કાર્ય એ શેાધકો હજુ કરી શક્યા નથી. આ બધા વિષયને લગતું સાહિત્ય થીઓસોફીના ક્ષેત્રમાં ખેડાયું છે, અને બીજા ઘણાએ એને ઉકેલી રહ્યા છે. જીજ્ઞાસુઓએ એ સર્વ શેાધી લેવું રહ્યું છે. અાંહી તો એના આટલા ઉલ્લેખથી જ આપણું કાજ સરે છે.

પરચા અને સંતો

હવે સંતોને તથા આવી ગેબી સિદ્ધિઓને શો સંબંધ હોઈ શકે ? એ સવાલ ઉઠે છે. આના જવાબમાં આપણને જ્ઞાનીઓ એવી સમજ આપે છે કે સંતો બે પ્રકારના હોય : એક ત્યાગી ને બીજો યોગી. ત્યાગીનું લક્ષ્ય બહારની કોઈ શક્તિ સિદ્ધિઓ મેળવવાં ન જતાં કેવળ પોતાના જ મનની શુદ્ધિ કરી લેવાનું, કામ ક્રોધ મદ મોહ આદિ વિકારો પર વિજય મેળવવાનું છે; જ્યારે યોગીનો મનોરથ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી પ્રભુને પામવાનો હોય છે. ત્યાગી સાત્ત્વિકતાને આરાધે છે, યોગી રાજસી તત્ત્વને ભજે છે. ત્યાગી તો વિકારમુકત બની જગતને ચરણે ચગદાઈ જવા પણ તત્પર રહે છે, જ્યારે યોગી સત્તા પ્રાપ્ત કરી પોતાને દમવા આવનાર દુનિયાને ડારે પણ ખરો. ત્યાગી મૂક્તિનો કામી છે. યોગી શક્તિનો કામી છે. ગૌતમ બુદ્ધ ત્યાગીની કોટિમાં સંચર્યા હતા, અને તે પછીના ઘણા બૌધ સાધુઓ શક્તિને માર્ગે વળી તાંત્રિકો બન્યા હતા. જૈન તીર્થંકરો ત્યાગીએા હતા, જૈન સાધુએ સદા ત્યાગના જ માર્ગો રહી જીતેન્દ્રિય બનવાનું છે; પણ તેમાં યે યોગનો, તંત્રનો શક્તિનો ઉપાસક યતિવર્ગ નીકળ્યો હતો. મહાત્મા ગાંધી ત્યાગધર્મી છે, અરવિંદ ઘેાષ યોગને પંથે શક્તિના ઝરા શોધે છે. દયાનંદ સહજાનંદ વગેરે કેવળ ત્યાગી યે નહિ, પણ બન્નેના મેળ મેળવનારા હતા. દયાનંદનું વૈરાગ્ય જ્યાં જ્યાં એના વ્યક્તિત્વની છાપ પાડવા અશક્ત નીવડ્યું હતું, ત્યાં ત્યાં એણે પોતાનાં નેત્રોનાં તેજ વડે, અવાજના પ્રતાપ વડે, મક્કમ ઇચ્છાશક્તિની મદદથી