પૃષ્ઠ:Sorathi Santo.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮


૧. સંતજીવનની ત્યાગમયતા, નિર્વિકારતા અને તપશ્ચર્યા કરતાં વધુ મોટો મહિમા પરચા બતાવવાની નીચેરી સિદ્ધિને મળ્યો. લોકોને ન સમજાયું કે પરચા તો પાર્થિવ વસ્તુ છે, એક જાતનું માનસિક સત્તાબળ છે, મૂક્તિનું સાધન નથી. અને જેમ એક પાપી માણસ પણ કસરત કરીને અંગબળ ખીલાવી શકે છે, તેમ પાપી અથવા સામાન્ય ચારિત્રનો માણસ પણ પરચાની સિદ્ધિની પ્રાપ્તિ પ્રયત્નો વડે કરી શકે છે. આ વસ્તુ સદંતર વિસરાઇ ગઇ. પરચા-શક્તિને પ્રજાએ પ્રભુદત્ત માની લીધી.

૨. ગુરૂશ્રદ્ધાનું મંડાણ શિયળમય જીવન પર નહિ પણ ભય અને લાલચ પર મંડાયું: “ભાઈ ! ક્યાંઈક આપણું ધનોત પનોત કાઢી નાખશે ! અથવા તો દીકરા દેશે. રોગ મટાડશે ! માટે પગે પડો !” આ હતું લોક-માનસ.

૩. પરચા આપવાની શક્તિ મહિમા–પદે સ્થપાયા પછી તો ચાહે તેવા પતિત પુરૂષના નામ સાથે પણ કલ્પિત પરચાઓ જોડી લોકોમાં તેનો પ્રચાર કરવાની કુનેહો વપરાવા લાગી. અમૂક સંતે અમૂક માણસને અમૂક જાતનો પરચો બતાવ્યો એવી ગપ અત્યંત સ્હેલાઈથી ગળી જવાની પ્રકૃતિ ગ્રામ્ય પ્રજામાં રૂઢ થઇ ગઇ છે. એટલે 'પરચા' સિદ્ધિની વસ્તુ મટી પાખંડની વસ્તુ બની ગયા. અને એનું સત્યાસત્ય ચકાસવાનું કોઇ સાધન જ હોઇ શકે નહિ તેથી પાખંડ જોશભેર પ્રવર્ત્યું.

ઉપર કહ્યા અનર્થોનો વિચાર કર્યા પછી આપણો સ્પષ્ટ નિર્ણય એક જ હોવો જોઇએ કે પરચા–એ સાચા હોય અથવા ખોટા- અતિ અનિષ્ટ વસ્તુ છે. એ ભલે સિદ્ધિ હોય, ભલે કેળવી શકાય તેવી હોય, છતાં એ ભ્રામક, વહેમપોષક અને વિપથગામી મનોદશાની માતા હોવાથી આપણને ન ખપે. પરચા–શક્તિના પડદા આડે પાપાચાર ચલાવનાર સિદ્ધોની નહિ, પણ પરચા-શક્તિ વિનાના ચારિત્ર્યવંત અને પ્રભુપરાયણ ભક્તોની જ આપણને જરૂર છે. અથવા તે પરચા-શક્તિ વડે પ્રજા પર અનેકાનેક ઉપકારો કરી શકાતા હોય - જેવા કે દાના ભક્તે કર્યા – તો તે ઉપકારોને પણ આપણે જતા કરવા જોઇએ, કેમકે એ વ્હેમને તેમજ