પૃષ્ઠ:Sorathi Santo.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦

મીરાંના વિષ-કટોરા અમૃતમય ન બન્યા હોત તો શું ઇશ્વરનું અસ્તિત્વ અને મીરાંનું સતીત્વ ખોટું પડત ?

ના. એની નિરાધારતામાં અને શહીદીમાં જ સંતો તો અમર બને છે. દયાનંદ કે શ્રદ્ધાનંદને પરચા પૂરવાની જરૂર નથી પડી. ગૌતમ બુદ્ધે પણ કહ્યું હતું કે મારો પ્રભાવ લોકો પર બેસારવા માટે મારે Jugglery (જાદુગીરી) કરવાની જરૂર નથી.

પરચા આપણને ઠગે છે, શુદ્ધાત્મા ન હોય તો પણ એ સિદ્ધિ પામી શકે છે, મેલાને પણ મળે એવી એ વિદ્યા છે. ચારિત્ર્યને બદલે ચમત્કાર આપણી તુલનાનું ધોરણ બને છે. એનાથી ઉત્પન્ન કરેલી શ્રદ્ધા તે શ્રદ્ધા નથી, ભય છે, સ્વાર્થની લાલચ છે.

આ ચોપડીમાંના ચરિત્ર આલેખવા બેસતાં, પરચાઓ મારાથી છોડી શકાયા નથી. કંઠસ્થ ઇતિહાસ-સાહિત્યને વફાદાર રહેવા માટેની મારી એ ફરજ થઇ પડી હતી. સલાહકારોની સલાહ પણ એવીજ પડી. અન્ય પ્રાંતોમાં ને દેશોમાં થએલા આવા સંગ્રહોમાં પણ એ જ પ્રણાલી જોવામાં આવી. એટલે લાગ્યું કે કંઠસ્થ સાહિત્યના સંપાદકે પોતાની વિવેકબુદ્ધિ પોતાના પ્રવેશકમાં જ વાપરવી રહી. વસ્તુના સંગ્રહકાર્યમાં તો એના હાથ અમુક રીતે બંધાયેલા જ હોય છે. વળી 'પરચા' એક શાસ્ત્રીય વિષય છે, અભ્યાસનું અંગ છે. અનભ્યાસી એની સાથે મનફાવતી રમત રમી શકે નહિ. એના ઉપર ખાસ અભ્યાસી જનોના નિર્ણયો મેળવ્યા પછી જ એનું સાચ જૂઠ નક્કી થઇ શકે. માટે જ મેં એ બધાને આંહી સંઘરેલા છે.

છતાં એક છૂટ મેં લીધી છે. પરચાઓના થર પર થર ચડેલા છે. તેમાંથી હું આ સંતોની નક્કર જીવન–મહત્તા વીણી લેવા મથ્યો છું. પણ કેટલીક મહત્તાનું સુવર્ણ એ માટીની સાથે એવું તો એકમેક થઇ રહ્યું છે, કે સાચા કીમીઆગર થકી જ એ જૂદું પાડી શકાય. હું એ નથી કરી શક્યો, છતાં નરી માટીને તો મેં ફેંકી જ દીધી છે. જેટલી ધૂળ સોના સાથે ભળેલી છે, તેટલી જ મારે રાખવી પડી છે. જેટલા પરચા સંતોની જીવ દયા ને જન-સેવાનાના દ્યોતક છે, એટલા જ આંહી સંઘર્યા છે.

સંપાદક