પૃષ્ઠ:Sorathi Santo.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભક્તમંડળ
 

પગલાં દેતી ઓસરીમાં ઉતરી અને અંતર પીગાળી નાખે એવા મીઠા સૂરે બોલી કે

“એ કાઠી ! ગરીબની આંતરડી કળકળાવ્ય મા; આમાં આપણી સારાવાટ નથી, અને એય ભુંડા ! ડાકણ પણ એક ઘર તજે છે હો !”

“ઇં છે ભણેં ભગતડી ? તું ભણેં નાને મોઢે મોટી મોટી વાતું કરવા આવતી સો ? ઉભી રે'જે સાધુડી ! ” કહીને જાદરો દોડ્યો. ફડાક, ફડાક, ફડાક, એમ ત્રણ ૫રોણાના ઘા પોતાની જુવાન કાઠીઆણીના ફુલ સરીખા સુંવાળા બરડા પર ખેંચી કાઢ્યા.

“બાઇ, બોન, બાપા તું શીદને મારી સિફારસ કરવા આવી ? અરેરે, બાપડી કળોયણને કોચવનાર કયે ભવ છૂટશે ?” એમ કહીને નિઃશ્વાસ નાખતો બાવો ચાલ્યો ગયો.

બીજે જ દિવસે જાદરાના ચાર બળદમાંથી એક બળદને સર્પ ફટકાવ્યો. અને બળદના પ્રાણ નીકળી ગયા. માંકબાઇને હજુ તો આગલી જ સાંજે પરોણાની પ્રાછટો પડી છે, છતાં યે એ સતી નારીએ આવીને મીઠે કંઠે પતિને કહ્યું કે

“ લે કાઠી ! કાઢ્ય કમાણી ! કાલ્ય ઓલ્યો બાવો આપણે આંગણેથી ફળીફળીને ગ્યો'તો, એનાં ફળ આપણને મળ્યાં. આપણો લાખેણો ઢાંઢો ફાટી પડ્યો. ગરીબની ધા લેવી સારી નથી કાઠી ! વિચાર વિચાર.”

જાદરાને તો એક જ વિચાર કરતાં આવડતું હતું. ફરી વાર એણે પરોણા મારીને પોતાની સ્ત્રીનું શરીર સોઝાવી નાખ્યું. માર મારીને પછી કહ્યું કે “જા ભણેં મોટી સતી ! મોલડીએ જઉને તાળા ભગતડા બાપ પાસેથી એક ઢાંઢો લઉ આવ્યા. નીકર ભૂખેં મરૂ જાશ.” એક તો ધણીનો સંતાપ, એને માથે સાસુની કનડગતઃ ઘંટીનાં બે પડ વચ્ચે દાણો પીસાય તેમ માંકબાઇ દળાઈ રહી.છે: સાસુ નિત્ય ઉઠીને મેણાં મારે છે કે તારે બાપે કાંઇ કરીઆવર ન કર્યો ! ભગતડાની દીકરી પહેર્યે લૂગડે હાલી આવી ! ઘરાણું ગાંઠું હોય તો આ સંધીનું કાંધું તો ભરવા થાત !